Get The App

આજે દલાઈ લામાનો જન્મ દિવસ, વધી શકે છે ચીનની અકળામણ

દલાઈ લામા જેમને પોતાના સાયન્સ ગુરૂ માને છે તેવા અમેરિકી ભૌતિક વિજ્ઞાની ડેવિડ બોહ્મા સાથે આજે ઓનલાઈન સ્ક્રીનિંગ યોજશે

Updated: Jul 6th, 2020

GS TEAM

Google News
Google News
આજે દલાઈ લામાનો જન્મ દિવસ, વધી શકે છે ચીનની અકળામણ 1 - image


નવી દિલ્હી, તા. 6 જુલાઈ 2020, સોમવાર

હાલ પૂર્વીય લદ્દાખમાં એલએસી ખાતે ભારત અને ચીન વચ્ચે તણાવ વ્યાપેલો છે. છેલ્લા એક મહીનાથી વ્યાપેલા તણાવ બાદ ભારતે હવે ચીનની તમામ મોરચે ઘેરાબંધી શરૂ કરી દીધી છે. ભારત તરફથી સતત નવા નવા આંચકા મેળવી રહેલા ચીનને સોમવારે એટલે કે આજે એક નવી ચિંતા સતાવી રહી છે. આજે તિબેટીયન ધર્મગુરૂ દલાઈ લામાનો 85મો જન્મદિવસ છે. દલાઈ લામાના જન્મદિવસ નિમિત્તે ભારત સહિત સમગ્ર વિશ્વમાં અનેક કાર્યક્રમનું આયોજન થશે જેથી ચીન ખૂબ જ બેચેન થઈ જશે. 

બળજબરીપૂર્વક તિબેટ પર પોતાનો કબજો જમાવ્યા બાદ ચીન હંમેશા દલાઈ લામાનો વિરોધ કરતું આવ્યું છે. ચીનને ફરી એક વખત એ ચિંતા થવા લાગી છે કે દલાઈ લામા ક્યાંક પોતાના જન્મદિવસ પર તિબેટ અને તેની આઝાદીને લઈ કોઈ ઉપદેશ ન આપી દે. ઉલ્લેખનીય છે કે તિબેટમાં હંમેશા ચીનથી આઝાદ થવાની માંગણી ઉઠતી રહે છે અને ચીન હંમેશા તેને પોતાના ક્રૂર વલણ નીચે દબાવી દે છે. 

આ વખતે દલાઈ લામાના જન્મ દિવસ પર એક ખાસ ઓનલાઈન સ્ક્રીનિંગની યોજના બનાવવામાં આવી છે. દલાઈ લામાએ અમેરિકાના ભૌતિક વિજ્ઞાની ડેવિડ બોહ્માને લઈ એક ખાસ ઓનલાઈન સ્ક્રીનિંગ યોજ્યું છે. દલાઈ લામા બોહ્માને પોતાના સાયન્સ ગુરૂ પણ માને છે. દલાઈ લામાએ આશરે એકાદ સપ્તાહ પહેલા જ ટ્વિટરના માધ્યમથી જન્મદિવસ નિમિત્તે એક ખાસ સ્ક્રીનિંગની જાણકારી આપી હતી. 

ચીન આજે પણ દલાઈ લામાનો વિરોધ કરવા પોતાની કોઈ નવી ચાલ જરૂર ચાલશે. વિશ્વમાં દલાઈ લામા ભલે એક શાંતિદૂત અને માનવતાનો સંદેશ આપનારા ધર્મગુરૂ તરીકે પ્રખ્યાત હોય પરંતુ પૂર્વમાં ચીન તેમને આતંકવાદી ઠેરવી ચુક્યું છે અને તેમના પર તિબેટના બુદ્ધિઝમને બરબાદ કરવાનો પ્રયત્ન કરવાનો આરોપ પણ લગાવી ચુક્યું છે. 

ગત વર્ષે દલાઈ લામાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તે સમયે 2019માં ગૃહમંત્રી અમિત શાહ ફોન નહોતા કરી શક્યા પરંતુ તેમની પત્ની અને દીકરાએ તે ખાસ પ્રસંગે પોતાના તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી. 

તિબેટ પર ચીનના કબજા બાદ ભારતે એપ્રિલ, 1959માં દલાઈ લામા 23 વર્ષના હતા તે સમયે તેમને શરણ આપ્યું હતું. દલાઈ લામા ચીનથી બચીને અરૂણાચલ પ્રદેશના ત્વાંગને પાર કરીને ભારત આવ્યા હતા. 

Tags :