Get The App

યુરોપના તમામ મોટા ઍરપોર્ટ પર સાયબર હુમલો, ચેક-ઇન સિસ્ટમ ઠપ થતાં હજારો મુસાફરો પરેશાન

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
યુરોપના તમામ મોટા ઍરપોર્ટ પર સાયબર હુમલો, ચેક-ઇન સિસ્ટમ ઠપ થતાં હજારો મુસાફરો પરેશાન 1 - image


Cyberattack Europe Airports: યુરોપના અનેક મોટા ઍરપોર્ટમાં ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ પર સાયબર હુમલા થયો છે. જેના કારણે શનિવારે (20મી સપ્ટેમ્બર) ઘણી ફ્લાઇટ્સના ઉડાનમાં વિલંબ થતાં મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા.  ટેકનિકલ સમસ્યાને કારણે યુરોપના મુખ્ય ઍરપોર્ટ પર કડક સુરક્ષા લાગુ કરવામાં આવી છે, જેમાં ઘણાં ઍરપોર્ટ મેન્યુઅલ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

બ્રસેલ્સ, બર્લિન અને હિથ્રો ઍરપોર્ટ પર સાયબર હુમલો

બ્રસેલ્સ ઍરપોર્ટના અધિકારીઓના જણાવ્યાનુસાર, શુક્રવારે (19મી સપ્ટમ્બર) રાત્રે તેમના ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમમાં સાયબર હુમલો થયો હતો, જેના કારણે તેમની તકનીકી સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. તેથી ઍરપોર્ટને મેન્યુઅલ રીતે ચેક-ઇન અને બોર્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઍરપોર્ટ મેનેજમેન્ટે મુસાફરોને ધીરજ રાખવા અને નિયમિતપણે તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા વિનંતી કરી હતી.

જર્મનીના બર્લિન બ્રાન્ડેનબર્ગ ઍરપોર્ટે પુષ્ટિ આપી છે કે તેના સેવા પ્રદાતાની સિસ્ટમ પર સાયબર હુમલો થયો છે. પરિણામે, સુરક્ષાના પગલા તરીકે ઍરપોર્ટે તેના નેટવર્ક કનેક્શનને અસ્થાયી રૂપે કાપી નાખ્યા છે. જ્યારે લંડનના હિથ્રો ઍરપોર્ટે પણ ટેકનિકલ સમસ્યાઓ આવી હતી. હિથ્રો ઍરપોર્ટ અનુસાર, કોલિન્સ એરોસ્પેસ એક કંપની જે ઘણી એરલાઇન્સને ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ પૂરી પાડે છે, તે ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, જેના કારણે ફ્લાઇટમાં વિલંબ થઈ રહ્યો છે.

મુસાફરોને સાવધાની રાખવા અપીલ 

ઉલ્લેખનીય છે કે, આ બધા ઍરપોર્ટે મુસાફરોને નિયમિતપણે તેમની ફ્લાઇટ સ્ટેટસ ઓનલાઇન તપાસવા અને ફ્લાઇટના સમયને ધ્યાનમાં રાખીને તે મુજબ આયોજન કરવા વિનંતી કરી છે. ઍરપોર્ટ મેનેજમેન્ટે થયેલી અસુવિધા બદલ માફી માંગી છે અને શક્ય તેટલી વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા માટે સતત કાર્ય કરવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો: H1-B વિઝા ફી એકઝાટકે 88 લાખ થઈ જતાં ભારતીયોને મોટો ફટકો, જાણો તેની શું થશે અસર


સાયબર હુમલાથી પ્રભાવિત ઍરપોર્ટ ઍલર્ટ 

સાયબર હુમલાથી પ્રભાવિત ઍરપોર્ટોએ તેમના સુરક્ષા પ્રોટોકોલ કડક બનાવ્યા છે. વધુ સાયબર હુમલાઓ અટકાવવા માટે ઘણાં સ્થળોએ સિસ્ટમોને અસ્થાયી રૂપે ઓફલાઇન કરવામાં આવી છે. નિષ્ણાતો આ ઘટનાની ગંભીરતાને લઈને ઍલર્ટ પર છે અને સુરક્ષાને મજબૂત બનાવવા માટે વધારાના પગલાં લઈ રહ્યા છે.

Tags :