સાયબર હુમલો કરી ફ્રીઝનું તાપમાન 50 ડિગ્રીએ પહોંચાડ્યું, 350 મૉલ-માર્કેટમાં આગ, ફ્રાન્સની ચોંકાવનારી ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

France Cyber Attack: ફ્રાન્સ પર એક બિનપરંપરાગત સાયબર હુમલાએ સમગ્ર દુનિયામાં ચકચાર મચાવી છે. ટેક્નોલોજીના વિકાસ સાથે દુનિયામાં અત્યાર સુધમાં હેકર્સ દ્વારા ગ્રાહકોની માહિતી, પેમેન્ટ સિસ્ટમ્સ અથવા કંપનીઓના ડેટા હેક કરી નાણાં પડાવવામાં આવતા હતા અથવા તેની ક્રેડિટ લઈ રાજકીય હેતુ સર કરાતો હતો. પરંતુ ફ્રાન્સમાં 700 જેટલા સુપરમાર્કેટ્સમાં રાતના સમયે ઈન્ટરનેટ સાથે જોડાયેલા રેફ્રીજરેટર અને ફ્રીઝર હેક કરીને તેનું તાપમાન 50 ડિગ્રી કરી દેવાતા અનેક મોલમાં આગ લાગી હતી તેમજ રેફ્રિજરેટરમાં મૂકેલા ખાદ્ય પદાર્થો બગડી જતાં કંપનીઓને લાખોનું નુકસાન થયું હતું. આ સાયબર હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી.
ફ્રેન્ચ તપાસકારોએ મંગળવારે જણાવ્યું હતું કે, સાયબર હુમલાની આ ઘટનાથી ખાદ્યાન્નનું કોઈ જોખમ ઊભું થયું નથી, પરંતુ બધા જ લોકો માટે આ એક 'વેકઅપ કોલ' સમાન છે. આ સાયબર ગુનામાં કોઈ ખંડણી માગવામાં આવી નહીં હોવાથી તપાસકારો મુંઝવણમાં મુકાઈ ગયા છે. સાયબર હુમલાની આ ઘટનામાં 350 જેટલા સુપરમાર્કેટ્સમાં આગ લાગી હોવાનું પણ સામે આવ્યું છે.
ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ રાષ્ટ્રીય સાયબર સુરક્ષા એજન્સીને આ ઘટનાની તપાસ કરવા નિર્દેશ આપ્યા છે. દેશના અગ્રણી સુપરમાર્કેટ્સને નિશાન બનાવી ઈન્ટરનેટ સાથે જોડાયેલા રેફ્રિજરેટર અને ફ્રીઝના તાપમાન રાતના સમયે વધારીને 50 ડિગ્રી કરી દેવાયા હતા, જેથી સેંકડો દુકાનોમાં આગ લાગી હતી અને ફ્રીઝરમાં રખાયેલું ફ્રોઝન ફૂડ બગડી ગયું હતું.
ફ્રાન્સના મુખ્ય રિટેલ જૂથ લે મસ્કેટિયર્સના જણાવ્યા મુજબ તેની ઈન્ટરમાર્શ બ્રાન્ડના લગભગ 150 સ્ટોર્સમાં રેફ્રિજરેશન યુનિટ્સને રાતે સતત છ કલાક સુધી 50 ડિગ્રી પર ગરમ કરાયા હતા. દિગ્ગજ રિટેલર કૈરેફોરના 80 સુપરમાર્કેટ અને મોનોપ્રિક્સના પાંચ ટકા સ્ટોર્સ પણ સાયબર હુમલાની ઝપેટમાં આવી ગયા હતા. સ્વાસ્થ્ય જોખમોથી બચવા માટે બધા જ સુપરમાર્કેટ્સે અસરગ્રસ્ત ખાદ્ય પદાર્થો કચરામાં ફેંકી દેવા પડયા હતા, જેથી કંપનીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.
ફ્રાન્સની સાયબર સુરક્ષા એજન્સીના રિપોર્ટ મુજબ હેકર્સે ડેનિશ કંપની ડૈનફોસ દ્વારા લગાવાયેલા રેફ્રિજરેશન કંટ્રોલરના જૂના અને આઉટડેટેડ સોફ્ટવેરની ખામીઓનો લાભ ઉઠાવ્યો અને ઈન્ટરનેટ મારફત રિમોટલી સિસ્ટમ સુધી પહોંચ બનાવી હતી. સાયબર થ્રેટ ઈન્ટેલિજન્સ એજન્સી સેકોઇયાના નિષ્ણાતોએ ચેતવણી આપી કે સ્પેન, પોર્ટુગલ, પોલેન્ડ, જર્મની અને બેલ્જિયમમાં પણ આ પ્રકારના હુમલાનું જોખમ છે. સાયબર નિષ્ણાતોએ કહ્યું કે, ઈન્ટરનેટ સાથે જોડાયેલી સિસ્ટમ્સને લેટેસ્ટ સોફ્ટવેરથી સુરક્ષિત રાખવાની પાયાની બાબતનું પાલન નહીં થયું હોવાથી આ પ્રકારનો હુમલો થયો છે.
દરમિયાન નેધરલેન્ડની સૌથી મોટી સુપરમાર્કેટ ચેન અહોલ્ડ ડેલહાઈઝે પણ તેના નેટવર્કમાં સુરક્ષા સંબંધી સમસ્યાઓના કારણે તેની હોમ ડિલિવરી એપ બંધ કરી દીધી છે. અમેરિકન સૈન્ય બેઝમાં પણ ઓગસ્ટના અંતમાં રેફ્રિજરેશનની સમસ્યાઓ થઈ હોવાના અહેવાલ હતા.




