વિશ્વના આ 15 દેશોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો
- એન્ટાર્કટિકા ખંડ સિવાયના 15 દેશોમાં મોટા ભાગના ઓછા જાણીતા ટાપુઓ
- ચીનની સરહદને અડીને આવેલા ઉત્તર કોરિયામાં આગમચેતીના કારણે એક પણ કેસ નહીં
નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2020, બુધવાર
વિશ્વમાં હાલ નાના બાળકો પણ કોરોના વાયરસના નામથી અજાણ નથી. આ વાયરસના ફેલાવાની શરૂઆત જાન્યુઆરી મહીનામાં ચીનમાં થઈ હતી અને છેલ્લા ત્રણ મહીનામાં લગભગ આખી દુનિયામાં તેનાથી હાહાકાર વ્યાપ્યો છે. વિશ્વમાં 20 લાખથી પણ વધારે લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે અને સવા લાખથી પણ વધારે લોકો તેના કારણે મૃત્યુ પામ્યા છે. પરંતુ હજુ પણ કેટલાક દેશો એવા છે જ્યાં આ વાયરસ પગપેસારો નથી કરી શક્યો.
વિશ્વના સાત પૈકીના છ ખંડોમાં આ વાયરસ ફેલાઈ ચુક્યો છે પરંતુ એન્ટાર્કટિકા એક એવો ખંડ છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો. જો કે, તે સિવાય પણ કેટલાક એવા દેશો છે જ્યાં કોરોના નથી પહોંચી શક્યો.
210 દેશોમાં પ્રસરેલો કોરોના આ 15 દેશોથી દૂર રહ્યો
કોરોના જે 15 દેશોમાં નથી પ્રવેશી શક્યો તેની યાદી જોઈએ તો તેમાં કોમોરોસ, કિરિબાતી, લેસોથો, માર્શલ આઈલેન્ડ્સ, માઇક્રોનેશિયા, નોરૂ, નોર્થ કોરિયા, પલાઉ, સમોઆ, સોલોમન આઈલેન્ડ્સ, તાઝિકિસ્તાન, ટોંગા, તુર્કમેનિસ્તાન, તુવાલુ અને વાનુઅતુ આટલા દેશોનો સમાવેશ થાય છે.
15 દેશોમાં કોરોના ન પહોંચવાનું કારણ
આ દેશોમાં કોરોના ન ફેલાવાનું સૌથી મોટું કારણ ત્યાંની ઓછી વસ્તી છે. આ 15 દેશોમાં મોટા ભાગના નાના ટાપુઓ છે. આ ઉપરાંત તે ઝાઝા પ્રખ્યાત નથી જેથી પ્રવાસીઓનો ધસારો પણ નથી રહેતો. આ કારણે જ ત્યાં કોઈ પણ જાતના નિયમો વગર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે છે.
નોર્થ કોરિયામાં કોરોના ન ફેલાવાનું કારણ
મિસાઈલ પરીક્ષણો માટે ચર્ચામાં રહેતું નોર્થ કોરિયા કોરોના વાયરસના જોખમથી બચી ગયું છે. ઉત્તર કોરિયાની સરહદ ચીનને અડીને આવેલી હોવા છતાં પણ ત્યાં કોરોનાનો એક પણ કેસ ન દેખાયો તે ચોંકાવનારી વાત છે. કોરિયન સરકારે કરેલા દાવા પ્રમાણે તેમણે સમયસર સડક, સમુદ્ર અને હવાઈ માર્ગને બંધ કરીને કોરોનાનું આગમન રોક્યું હતું. સાથે જ તેમણે એક પણ કેસ ન હોવા છતા ક્વોરન્ટિન બેડ વગેરેની પૂરતી તૈયારી કરી હતી.