Get The App

અમેરિકામાં દૈનિક મૃત્યુના રેકોર્ડ વચ્ચે રેમડેસિવિર દવાના ચમત્કારિક પરિણામો સામે આવ્યા

- ઈબોલા વાયરસનો સામનો કરવા માટે બનાવાયેલી દવાએ 125 પૈકી 123 દર્દીને સાજા કર્યા

Updated: Apr 17th, 2020

GS TEAM

Google News
Google News
અમેરિકામાં દૈનિક મૃત્યુના રેકોર્ડ વચ્ચે રેમડેસિવિર દવાના ચમત્કારિક પરિણામો સામે આવ્યા 1 - image

વોશિંગ્ટન, તા. 17 એપ્રિલ 2020, શુક્રવાર

અમેરિકા હાલ વિશ્વમાં કોરોના વાયરસનું ગઢ બની ગયું છે તથા દરરોજ ત્યાં મૃત્યુના નવા નવા રેકોર્ડ્સ નોંધાઈ રહ્યા છે. જો કે, આ વૈશ્વિક મહામારી સામેના યુદ્ધમાં એક દવાના ખૂબ જ ચમત્કારિક પરિણામો સામે આવ્યા છે. ઈબોલા વાયરસના ખાત્મા માટે તૈયાર કરવામાં આવેલી રેમડેસિવિર નામની આ દવાના ખૂબ જ જાદુઈ પરિણામો જોવા મળી રહ્યા છે. અમેરિકાના શિકાગો શહેરમાં કોરોનાના 125 દર્દીઓને આ દવા આપવામાં આવી હતી અને તે પૈકીના 123 દર્દીઓ હાલ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

યુનિવર્સિટી ઓફ શિકાગોના સંક્રામક બીમારીઓના નિષ્ણાંત કૈથલીન મુલેન અને તેમના સાથી આ દવાના પરીક્ષણનું નેતૃત્વ સંભાળી રહ્યા છે. મુલેનના કહેવા પ્રમાણે જે દર્દીઓને અતિ તાવ હોય છે તેઓ ખૂબ ઝડપથી સાજા થઈ જાય છે અને દવા આપ્યા બાદ તેઓ દર્દીને એક જ દિવસમાં વેન્ટિલેટરમાંથી બહાર આવતા જોઈ રહ્યા છે. રેમડેસિવિર દવાથી 123 દર્દીઓ સાજા થયા હોવા છતા તેને લઈ ભારે સંશોધનની ખૂબ જ જરૂર છે પરંતુ તે દુનિયા માટે એક શુભ સંકેતરૂપ છે.

ફેબ્રુઆરી મહીનામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક ડોક્ટરે પણ કોરોના માટે રેમડેસિવિર દવાને એકમાત્ર પ્રભાવી દવા ગણાવી હતી. ઈબોલા વાયરસના ખાત્મા માટે તૈયાર કરાયેલી આ દવા અન્ય અનેક પ્રકારના વાયરસને મારવા માટે સક્ષમ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રેમડેસિવિર દવાથી કોરોનાના ખાત્માની સંભાવના જણાઈ રહી હોવાનું જાહેર કર્યું હતું.