જાપાનમાં કોરોનાથી ચાર લાખ લોકોના મોતની ચેતવણી
- વડાપ્રધાન શિંઝો આબેએ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની યોજનાનું કામ ચાલુ કર્યું
ટોક્યો, તા. 16 એપ્રિલ 2020, ગુરૂવાર
કોરોના વાયરસ મહામારી સાથે સંકળાયેલા એક રિપોર્ટને લઈ જાપાનની શિંઝો આબે સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે. આ રિપોર્ટમાં જો સરકાર કડકાઈથી પગલા નહીં લે તો ચાર લાખ લોકોના મૃત્યુ થઈ શકે છે તેવી ચેતવણી આપવામાં આવી છે. આ તરફ દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન શિંઝો આબે દેશભરમાં રાષ્ટ્રીય કટોકટી ઘોષિત કરવાની યોજના પર કામ કરી રહ્યા છે.
જાપાનમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં 8,626 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. દેશભરમાં 178 જેટલા લોકોના મોત અને ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણને જોતા વડાપ્રધાન શિંઝો આબેએ ટોક્યો, ઓસાકા અને અન્ય પાંચ પ્રાંતોમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે.
જાપાનીઝ કાયદા પ્રમાણે ઈમરજન્સી દરમિયાન પણ કોઈ વેપારને બંધ કરવા ફરજ ન પાડી શકાય. જો કે, અનેક કંપનીઓએ જાણીજોઈને વર્ક ફ્રોમ હોમની પોલિસી ચાલુ કરી દીધી છે. જાપાનમાં હાલ જે લોકોમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળે તેમની જ તપાસ કરાઈ રહી છે. આ દરમિયાન સરકારી સૂત્રોના અહેવાલ પ્રમાણે જો કડક પગલા લેવામાં નહીં આવે તો ચાર લાખ લોકોનો જીવ જઈ શકે છે. અહેવાલમાં 8.5 લાખ લોકોને વેન્ટિલેટરની જરૂર પડશે તેવી ધારણા રજૂ કરવામાં આવી છે. જાપાનમાં હાલ ટોક્યો અને ઓસાકા સિવાય સૈતમા, કાંગવા, ચીબા, હયોગો અને ફુકુઓકા પ્રાંતમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવેલી છે.