ન્યૂયોર્ક, તા. 17 એપ્રિલ 2020, શુક્રવાર
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બાળકો પર કોરોના વાયરસનો શું પ્રભાવ પડશે તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં આ મહામારીના કારણે સર્જાનારી આર્થિક મંદીના કારણે ચાલુ વર્ષ દરમિયાન હજારો બાળકોના મોત થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ તેનાથી બાળ મૃત્યુદર ઘટાડવાના પ્રયત્નો ખોરંભે ચઢશે તેમ જણાવવામાં આવ્યું છે.
અભ્યાસ પ્રમાણે ચાલુ વર્ષ દરમિયાન આશરે 4.2થી 4.6 કરોડ બાળકો કોરોનાના કારણે અત્યાધિક ગરીબીની લપેટમાં આવી શકે છે. 2019માં પહેલેથી જ 38.6 કરોડ બાળકો અત્યાધિક ગરીબીના શિકાર બનેલા હતા. સંયુક્ત રાષ્ટ્રના 'પોલિસી બ્રીફ: ધ ઈમ્પેક્ટ ઓફ કોવિડ-19 ઓન ચિલ્ડ્રન'માં બાળકો આ મહામારીનો સામનો નથી કરી રહ્યા પંરતુ તેમને કોરોના વાયરસથી જોખમ છે તેવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. સાથે જ બાળકો કોરોના વાયરસના પ્રત્યક્ષ સ્વાસ્થ્ય પ્રભાવોથી બચી રહ્યા છે તેનો આનંદ વ્યક્ત કરાયો છે.
આર્થિક મંદી હજારો બાળકોનો ભોગ લેશે
વૈશ્વિક આર્થિક મંદીના કારણે 2020માં અનેક પરિવારોએ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડશે જે સરેરાશ કરતા વધારે હજારો બાળકોના મોતનું કારણ બનશે. તેનાથી છેલ્લા બે-ત્રણ વર્ષથી વાર્ષિક બાળ મૃત્યુદર ઘટાડવા જે પ્રયત્નો થઈ રહ્યા છે તે પણ પ્રભાવિત થશે.
188 દેશોમાં શિક્ષણ સંકટ વધ્યું
કોરોના મહામારીના કારણે 188 દેશોમાં શિક્ષણલક્ષી સંકટ વધ્યું છે. અનેક દેશોમાં શાળાઓ બંધ હોવાથી 1.5 અબજ કરતા પણ વધારે બાળકો અને યુવાનોને તેની અસર પહોંચી છે.
36.85 કરોડ બાળકોમાં કુપોષણ વધશે
કોરોનાના કારણે 143 દેશોના 36.85 કરોડ બાળકોમાં કુપોષણની સમસ્યા વધવાની આશંકા છે. આવા બાળકો સામાન્ય રીતે દૈનિક પોષણના એક વિશ્વસનીય સ્ત્રોત તરીકે શાળાના મદ્યાહ્ન ભોજન પર આધારીત હતા અને હવે તેમણે અન્ય સ્ત્રોત શોધવા પડશે.


