Coronavirus: દુનિયાભરમાં મૃત્યુદર 6 ટકા, જ્યારે ભારતનો આંક માત્ર 3 ટકા
નવી દિલ્હી, 11 એપ્રિલ 2020 શનિવાર
કોરોના વાયરસના કારણે વિશ્વમાં થઈ રહેલા મોતનો આંકડો શુક્રવારે એક લાખને પાર પહોંચી ગયો. ઈટાલી અને અમેરિકામાં સૌથી વધારે લોકોના મોત આ રોગચાલાના કારણે થયા છે.
ઈટાલીમાં સૌથી વધારે 18,849 અને અમેરિકામાં 17,927 લોકો સંક્રમણના કારણે મોતને ભેટી ચુક્યા છે. નવેમ્બર મહિનામાં ચીનના વુહાનમાંથી નિકળેલા આ વાયરસે પાંચ મહિનામાં પુરા વિશ્વમાં કહેર વર્તાવી દીધો છે.
સમગ્ર વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા 17 લાખે પહોંચી ગઈ છે અને એક લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. વિશ્વમાં 6 ટકાના દરે લોકોના મોત થઈ રહ્યા છે, તો ભારતમાં તેની ઝડપ ઓછી છે.
ભારતમાં અત્યારે આ દર 3.3 ટકા છે. અમેરિકામાં મોતનો દર 3.6 ટકા છે. યૂરોપિય દેશ ઈટાલીમાં આ દર 12.7 ટકા છે, બ્રિટેનમાં 12 અને સ્પેનમાં 9.7 ટકા છે. આ પહેલા સ્વાઈન ફ્લૂના કારણે સમગ્ર વિશ્વમાં 1.5 લાખ લોકોના જીવ ગયા હતા.
સત્તાવાર રિપોર્ટ અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં 17,927 લોકોના મોત નોંધવામાં આવ્યા છે. પરંતુ ત્યાના એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર ઘરોમાં મરનાર લોકોનો આંકડો કોરોનાથી થતા મોતમાં સામેલ નથી કરતા.
ન્યૂયોર્કમાં જ એક સપ્તાહમાં ઘરોમાં 1125 લોકોના મોત થયા છે. બધામાં કોરોના વાયરસના લક્ષણો હતા, પરંતુ તે બધાને તપાસ કર્યા વગર જ દફનાવી દેવામાં આવ્યા.