ઈરાનઃ આર્મી પરેડમાં જવાનોના હાથમાં હથિયારોના બદલે માસ્ક જોવા મળ્યા, જુઓ વીડિયો
- કોરોના સામે લડવાનો સંદેશો આપવા મિસાઈલના બદલે ડિસઈન્ફેક્શન વાહન દર્શાવ્યું
તેહરાન, તા. 18 એપ્રિલ 2020, શનિવાર
ઈરાનમાં કોરોના સંકટ તેની ચરમસીમાએ પહોંચ્યું છે અને પાંચ હજારથી પણ વધારે લોકોના મોત થયા છે. ત્યારે શુક્રવારે આર્મી ડે ની પરેડમાં મિસાઈલ અને હથિયારોના બદલે મેડિકલ ઉપકરણોનું પ્રદર્શન કરીને કોરોના સામે લડવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. ઈરાનના રાષ્ટ્રપતિના કહેવા પ્રમાણે મહામારીને લઈ સ્થિતિ સામાન્ય ન હોવાથી પરેડનું આયોજન સામાન્ય રીતે નહોતુ કરાયું.
પરંપરાગત પરેડમાં હથિયારોનું પ્રદર્શન કરવામાં આવે છે અને મિસાઈલ, સબમરીન, હથિયારબંધ વાહનો વગેરેનો ઉપયોગ કરાય છે. પરંતુ આ વખતની પરેડ અલગ હતી અને તેમાં મિસાઈલના બદલે ડિસઈન્ફેક્શન વાહનો, મેડિકલ ઈક્વિપમેન્ટ વગેરે જોવા મળ્યું હતું. ડિફેન્ડર્સ ઓફ ધ હોમલેન્ડ, હેલ્પર્સ ઓફ હેલ્થ આર્મી નામની આ પરેડમાં જવાનોના હાથમાં રાઈફલના બદલે તેમનું સંપૂર્ણ શરીર માસ્ક વગેરેથી ઢંકાયેલું હતું.
રાષ્ટ્રપતિ હસન રોહાનીએ જવાનોને સંબોધિત કરતી વખતે સ્વાસ્થ્ય અને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે પરેડ ન યોજી શકાય તેમ કહી 11,000 મેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો. સાથે જ સ્વાસ્થ્યકર્મીઓની પ્રશંસા કરીને ડોક્ટર્સ અને નર્સ યુદ્ધના મેદાનમાં સૌથી આગળ છે તેમ કહ્યું હતું.