Get The App

વિયેતનામનું થુઆન કોરોના મુક્ત બન્યું, અંતિમ દર્દીને રજા આપ્યા બાદ હોસ્પિટલના કર્મચારીઓ ભાવુક થયા

- કોરોના વોર્ડના 17 સભ્યના સ્ટાફે એક મહીનાથી ઘરે ગયા વગર દિવસ-રાત દર્દીઓની સારવાર કરી હતી

Updated: Apr 12th, 2020

GS TEAM

Google News
Google News
વિયેતનામનું થુઆન કોરોના મુક્ત બન્યું, અંતિમ દર્દીને રજા આપ્યા બાદ હોસ્પિટલના કર્મચારીઓ ભાવુક થયા 1 - image


વિયેતનામ, તા. 12 એપ્રિલ 2020, રવિવાર

કોરોના મહામારીના આતંક વચ્ચે વિશ્વમાં અનેક દેશો એવા પણ છે જેમણે મહત્તમ હદ સુધી કોરોના વાયરસ સામેનો જંગ જીતી લીધો છે. વિયેતનામ પણ આવો જ એક દેશ છે અને તેના બિન્હ થુઆન પ્રાંતે સંપૂર્ણપણે કોરોના મુક્ત બનીને કોરોના સામેનું યુદ્ધ જીતી લીધું છે. ત્યાંની એક હોસ્પિટલમાં જ્યારે કોરોનાના અંતિમ દર્દીને રજા આપવામાં આવી ત્યારે હોસ્પિટલના તમામ કર્મચારીઓ ભાવુક થઈ ગયા હતા.

સાઉથ સેન્ટ્રલ કોસ્ટ ખાતે આવેલી એક સામાન્ય હોસ્પિટલના ડોક્ટર, નર્સ અને અન્ય ચિકિત્સા કર્મચારીઓને જ્યારે કોરોનાનો અંતિમ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો હોવાના સમાચાર મળ્યા ત્યારે તેઓ આનંદથી ચિચિયારીઓ પાડવા લાગ્યા હતા અને એકબીજાને ચોંટીને રડવા લાગ્યા હતા. હોસ્પિટલના કોરોના વોર્ડના 17 લોકોના સ્ટાફમાંથી એક પણ વ્યક્તિ છેલ્લા એક મહીનાથી પોતાના ઘરે નહોતી ગઈ અને માટે જ તેમના આંસુ અને આનંદનું મહત્વ વધી જાય છે.

હોસ્પિટલના ડિરેક્ટર ડો. ગુએન વાન થાન્હના કહેવા પ્રમાણે રાતે 8:30 કલાકે દર્દીઓની તપાસ કરીને અને તેમને દવાઓ આપીને સ્ટાફ જમવાની તૈયારી કરી રહ્યો હતો તે સમયે હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-19ના અંતિમ દર્દીનો રિપોર્ટ નેગેટિવ હોવાના સમાચાર મળ્યા હતા. તે સાંભળતા જ સંપૂર્ણ સ્ટાફ લોબીમાં દોડવા લાગ્યો હતો અને ખુશી વ્યક્ત કરવા લાગ્યો હતો.

હોસ્પિટલના સંપૂર્ણ સ્ટાફે સીમિત સંસાધનો વડે દિવસ-રાત એક કરીને દર્દીઓની સારવાર કરી હતી અને તેમણે પોતાની જાતને હોસ્પિટલમાં જ ક્વોરનટાઈન કરી દીધી હતી. તેઓ ચેટિંગ અથવા વીડિયો કોલ દ્વારા જ પરિવારના સદસ્યોનો સંપર્ક કરતા હતા અને હવે ટૂંક સમયમાં જ પરિવારને મળી શકાશે તેવી આશા રાખી રહ્યા છે. આ હોસ્પિટલમાંથી કુલ 36 દર્દીઓ સ્વસ્થ થઈ બહાર આવ્યા છે અને એક જ દિવસમાં તે અંતિમ 11મો દર્દી હતો જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Tags :