કોરોનાનો મૃતકઆંક છુપાવી રહી છે પાક. સરકારઃ કરાચીમાં દોઢ મહીનામાં 3,265 શબ દફનાવાયા
કબ્રસ્તાનમાં દફનાવાયેલા લોકોના મોતનું કારણ છુપાવાયું અને કોઈ જ ટેસ્ટ નથી કરાયા
ઈસ્લામાબાદ, તા. 18 એપ્રિલ 2020, શનિવાર
મિત્ર દેશ ચીનની માફક પાકિસ્તાન સરકાર પણ કોરોનાના કારણે થયેલા મૃત્યુનો સાચો આંકડો છુપાવી રહી હોવાની શંકા છે. પાકના અગ્રણી સમાચારપત્ર 'ધ ટ્રિબ્યુનના ' અહેવાલ પ્રમાણે માત્ર કરાચી શહેરમાં જ 49 દિવસમાં 3,265 શબ દફનાવવામાં આવ્યા છે. ગુરૂવારે સરકારી ડેટા પરથી તારવવામાં આવેલો આ આંકડો કરાચી શહેરના માત્ર 30 કબ્રસ્તાનોનો જ છે. જાણવા મળ્યા મુજબ મોટા ભાગના લોકોના મોતનું કારણ છુપાવવામાં આવ્યું છે અથવા તો તેને લગતા કોઈ ટેસ્ટ જ નથી કરાયા.
પાકિસ્તાનમાં કોરોનાના કુલ 7,400થી વધુ કેસ સામે આવેલા છે અને સત્તાવાર રીતે 143 લોકોના મોતની પૃષ્ટિ કરવામાં આવી છે. હકીકતે કેટલાક પાકિસ્તાની મીડિયા છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાનમાં કોરોનાના કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હોવાનો અહેવાલ રજૂ કરી રહ્યા છે પરંતુ સરકાર તેની પૃષ્ટિ નથી કરી રહી. જો ખરેખર અહેવાલ પ્રમાણે મૃતકઆંક અને મૃત્યુનું કારણ છુપાવાઈ રહ્યું હોય તો તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
કરાચીની સરકારી હોસ્પિટલના ડેટા પ્રમાણે વર્ષના પ્રથમ ત્રણ મહીનામાં 10,791 દર્દીઓને ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા અને તે પૈકીના 121નું રસ્તામાં જ મોત થયું હતું. તેમાં કોઈ પણ દર્દીના મૃત્યુ અંગે સત્તાવાર જાણકારી નથી અપાઈ અને તેમના ટેસ્ટ પણ નથી કરાયા. નવાઈની વાત એ છે કે, હોસ્પિટલે પણ તેમના મૃત્યુનું કારણ જાણવા કે તેઓ કોવિડ-19ના કારણે મૃત્યુ નથી પામ્યાને તેની તપાસ કરવાનું ટાળ્યું છે. બીજી બાજુ ઈમરાન ખાનની સરકાર મસ્જિદોમાં લોકો ભેગા ન થાય તે આદેશનું ઉલ્લંઘન કરનારા મૌલવીઓ પર લગામ કસવા પણ પ્રયત્ન કરી રહી છે.