આ દેશમાં લોકડાઉનમાં છૂટ અપાતા જ 24 કલાકમાં કોરોનાના 627 નવા કેસ સામે આવ્યા, 23ના મોત
- લોકડાઉનમાં છૂટ અપાતા જ પાકિસ્તાનમાં 24 કલાકમાં નવા 627 કેસ સામે આવ્યા, 23ના મોત
- રમઝાન માસ દરમિયાન ઈફતાર, સેહરી માટે ભેગી થનારી ભીડ વાયરસના ફેલાવાનું કારણ બનશે તેવી ચિંતા
- પૃષ્ટિ કરાયેલા કેસ પૈકીના અડધાથી વધુ લોકોએ રાયવિડ શહેરમાં તબલીગી કાર્યક્રમમાં હિસ્સો લીધેલો
ઈસ્લામાબાદ, તા. 18 એપ્રિલ 2020, શનિવાર
પાકિસ્તાન સરકારે લોકડાઉનમાં ઢીલ મુકી તેના થોડા દિવસોમાં જ કોરોનાના કેસમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 627 નવા કેસ સામે આવ્યા છે અને તે સમય દરમિયાન 23 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ પાકિસ્તાનમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 7,400ને પાર કરી ગઈ છે અને 143થી વધુ લોકોના મોત થયા છે.
નિષ્ણાંતોએ લોકડાઉનમાં ઢીલ આપવાના કારણે કોરોનાના કેસની સંખ્યામાં હજુ પણ વધારો થશે તેવી ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે રમઝાન માસ દરમિયાન ઈફ્તાર અને સેહરી માટે ભેગી થનારી ભીડ ઘાતક વાયરસના ફેલાવાનું મુખ્ય કારણ બની શકે છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયના એક અધિકારીના કહેવા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં પ્રથમ વખત 5,300 પરીક્ષણ કરાયા છે જ્યારે પહેલા સામાન્ય રીતે આશરે 2,400 પરીક્ષણો જ કરાતા હતા. વધુમાં જણાવ્યું કે, 24 કલાકમાં પૃષ્ટિ કરાઈ તે પૈકીના અડધાથી વધુ કેસ જેમણે પંજાબ પ્રાંતના રાયવિંડ શહેરમાં તબલીગી કાર્યક્રમમાં ભાગ લીધેલો તેમના છે.
જો કે, સ્વાસ્થ્ય મામલે વડાપ્રધાનના વિશેષ મદદનીશ જફર મિર્ઝાના કહેવા પ્રમાણે કેસની સંખ્યામાં થયેલા વધારાને લોકડાઉનમાં આપેલી છૂટ સાથે ન જોડી શકાય. જ્યારે વધુ પરીક્ષણ કરવામાં આવે ત્યારે આવું બની શકે છે. ઘણા લોકો એકાંતવાસમાં હતા જ પરંતુ તેમણે 3,000ની સરખામણીએ 5,300 લોકોનું પરીક્ષણ કર્યું માટે બમણી સંખ્યામાં કેસ સામે આવ્યા છે.