ચીનના બીફ અને મટન માર્કેટમાં કોરોના વાયરસ મળ્યો
બે કરોડની વસ્તી ધરાવતા બેઇજિંગમાં કોરોનાના નવા ૩૧૧ કેસ
૫૦ ટકાથી વધુ કેસ મટન અને બીફ માર્કેટ સાથે સંકળાયેલા છે
બેઇજિંગ, 29, જુન,2020, સોમવાર
ચીનના વુહાન શહેરની માટ માર્કેટમાંથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ચીનનું ઔધોગિકનગર વુહાનને તો કોરોના મુકત બની ગયું પરંતુ પાટનગર બેઇજિંગમાં નવા કેસ વધતા જાય છે. બેઇજિંગથી ૧૫૦ કિમી દૂર આવેલા એક વિસ્તારમાં લોક ડાઉનની ફરજ પડી છે.ચીન સત્તાવાળાઓ વાયરસ સંક્રમણ રોકવા વુહાન જેવા જ પગલા ભરી રહયા છે. ચીનની એપેેડેમિક ટાસ્કફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એકશન કાઉન્ટીમાં દરેક પરીવારના માત્ર એક માણસને હવા એને ફૂડની ખરીદી માટે બહાર જવાની છુટ આપવામાં આવી છે.
બેઇજિંગમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૧૪ કેસ સામે આવ્યા છે. આ સાથે જ બે કરોડની વસ્તી ધરાવતા આ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩૧૧ થઇ છે.ચીનમાં કોરોના વાયરસ પર કાબુ મેળવી લેવાનો દાવો કરવામાં આવે છે પરંતુ છેલ્લા બે સપ્તાહથી બેઇજિંગમાં અને હુબેઇ પ્રાંત આસપાસના વિસ્તારોમાં કોરોના પોઝિટિવના નવા કેસ સામે આવ્યા છે. ચીનમાં નવેસરથી કોરોના વાયરસ ફેલાઇ રહયો હોવાનું પ્રમાણ જુનના મધ્યમાં સ્પષ્ટ જણાવા લાગ્યું હતું. આ વાયરસે બેઇજિંગના શિનફાદી નામના વિસ્તારમાં દેખા દીધી છે જે સૌથી મોટું મીટ બજાર ગણાય છે. નવા આવેલા કોરાના ૫૦ ટકાથી પણ વધુ કેસ બીફ અને મટન સેકશન સાથે જોડવામાં આવી રહયા છે.
શિનફાદી બીજુ વુહાન મીટ માર્કેટ ના બને તે માટે અહીંયા કામ કરતા લોકોેને એક મહિના માટે કવોરન્ટાઇન કરવામાં આવી રહયા છે. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા મુજબ એકશન કાઉન્ટીથી શિનફાદી બજારમાં તાજા પાણીની માછલીઓનો પુરવઠો મોકલવામાં આવે છે. બેઇજિંગમાં કોરોના સંક્રમણનો નવો તબક્કો આમ તો નિયંત્રણમાં છે તેમ છતાં ચીનના સરકારી તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. બેઇજિંગમાં આ મહામારી કયાંથી ફેલાઇ છે તેના સોર્સની તપાસ કરવી જરુરી બની છે જો કોરોના સંક્રમણના વાહકો વિશે જાણવા નહી મળે ત્યાં સુધી સ્થિતિ ગંભીર અને જટિલ રહેવાની છે. છેલ્લા કેટલાક સમયથી બેઇજિંગના શિનફાદીમાં રેસ્ટોરન્ટસ સાથે કામ કરનારા લોકોનું મોટા પાયે ટેસ્ટિંગ કરવામાં આવી રહયું છે. ચોકકસ વિસ્તારોમાં સ્કૂલને ફરી બંધ કરવામાં આવી રહી છે.
નવા નિયમ મુજબ બેઇજિંગથી બહાર જતી વ્યકિતએ કોરોના નેગેટિવ રિપોર્ટ કઢાવવો પડશે જે માત્ર ૭ દિવસ સુધી માન્ય ગણવામાં આવશે.ગત સપ્તાહના અંતમાં ત્રણ દિવસનો ડ્રેગન બોટ ફેસ્ટિવલ યોજાયો જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. જો કે આ તાજેતરની ઘટના હોવાથી તેની સાથે સંકળાયેલા નવા સંક્રમણ અંગે આગામી સમયમાં જાણવા મળશે. ચીનમાં કુલ ૮૪૭૪૩ કોરોના સંક્રમિત દર્દીઓ હતા જેમાંથી ૭૯૫૯૧ સાજા થયેલા છે જયારે ૪૬૧૧ના મોત થયા છે. હાલમાં ૫૧૧ કોરોનાના એકટિવ કેસ છે જેમાં બેઇજિંગમાં સૌથી વધારે છે.