ફ્રાંસના વૈજ્ઞાનિકોનું સંશોધન, 60 ડિગ્રી તાપમાનમાં પણ કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવા સક્ષમ
નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2020, બુધવાર
આકરી ગરમીમાં કોરોના વાયરસ કેટલો સક્રિય રહી શકે છે તે બાબત પહેલેથી જ ચર્ચાનો વિષય બનેલી છે. હવે ફ્રાંસના વૈજ્ઞાનિકોના એક સંશોધનમાં એવી વાત સામે આવી છે કે, અત્યંત ઉંચા તાપમાનમાં પણ વાયરસ સક્રિય રહી શકે છે. દક્ષિણ ફ્રાસંની એક યુનિવર્સિટીના પ્રોફેસર રેમી શેરેલે પોતાની ટીમ સાથે કોરોના વાયરસનો 60 ડિગ્રી ટેમ્પરેચરમાં ટેસ્ટ કર્યો હતો.
લગભગ એક કલાક બાદ પણ કોરોનાના કેટલાક પ્રકારના વાયરસ સંક્રમણ ફેલાવવા માટે સક્ષમ હતા.આમ 60 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ વાયરસ નિષ્ક્રિય થયો હોય તેવુ બન્યુ નહોતુ. આ સંશોધન ભારતના લોકોની અપેક્ષાઓને ઝાટકો લગાડનારુ છે.ભારતમાં એવુ મનાતુ હતુ કે ઉનાળની આકરી ગરમીમાં વાયરસની અસર ઓછી થશે.
ફ્રાંસના વૈજ્ઞાનિકોએ આ સંશોધનમાં આફ્રિકામાં જોવા મળતા વાંદરાઓની એક પ્રજાતિના કિડની સેલ્સને કોરોનાથી સંક્રમિત કર્યા હતા. માટે બર્લિનના એક દર્દીના શરીરમાંથી કોરોના વાયરસ લેવામાં આવ્યો હતો.
વાયરસ ચોખ્ખા માહોલમાં તો નિષ્ક્રિય થઈ ગયો હતો પણ ગંદકીભર્યા માહોલમાં રખાયેલો વાયરસ થોડો નબળો પડ્યો હતો આમ છતા તે કોરોના ફેલાવવા માટે સક્ષમ હોવાનુ વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવ્યુ હતુ.