ઓ બાપરે.. ન્યૂયોર્કમાં કોરોનાના 80 ટકા દર્દીઓના મોત વેન્ટિલેટર પર થયાં હોવાનો અહેવાલ
- અત્યાર સુધી વેન્ટિલેટરમાં રાખવાથી પરિણામ મળતું હોવાની માન્યતા હતી
- કોરોનામાં વેન્ટિલેટરની ઉપયોગીતા બાબતે ફેરવિચારણા શરૂ
- કોરોનાના દર્દીઓને વેન્ટિલેટર પર રાખવાથી તબિયત વધારે ગંભીર થતી હોવાનું જણાયું
ન્યૂયોર્ક, તા. 12 એપ્રિલ 2020, રવિવાર
કોરોનાના દર્દીઓને વેન્ટિલેટરમાં રાખવાથી ફાયદો થતો હોવાનું જણાતું હતું. અત્યાર સુધી એવી જ માન્યતાના આધારે સારવાર થતી હતી, પરંતુ ન્યૂયોર્કમાં ૮૦ ટકા કોરોનાના દર્દીઓના મોત વેન્ટિલેટરમાં થયા હોવાનો ચોંકાવનારો અહેવાલ આવ્યો છે.
ન્યૂયોર્કમાં કોરોનાના ગંભીર દર્દીઓ મૃત્યુ પામ્યાં એમાંથી ૮૦ ટકાના મોત વેન્ટિલેટરમાં રાખવા દરમિયાન થયા હતા. એના પરથી વિજ્ઞાાનિકો એવા પ્રાથમિક તારણ ઉપર પહોંચ્યા છે કે વેન્ટિલેટર બધા જ દર્દીઓના શરીરમાં એક સરખી રીતે કામ આપતા નથી. કેટલાક દર્દીઓને તેની આડઅસર થતી હોવાનું પણ જણાયું છે.
કોરોનાના દર્દીઓના ફેફસા કામ કરતાં બંધ થઈ જતાં હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. હવે તબીબો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે વેન્ટિલેટરના કારણે ઘણાં દર્દીઓના ફેંફસાને વધારે શ્રમ પડે છે અને તે કામ કરવાનું સાવ બંધ કરી દે છે.
અમેરિકન લંગ એસોસિએશનના પ્રમુખ ડા. અલબર્ટ રિઝોએ જણાવ્યું હતું કે અમેરિકામાં થયેલા કુલ મૃત્યુમાંથી ૮૦ ટકા જેટલાં દર્દીઓ વેન્ટિલેટરમાં હતા એ દરમિયાન જ મૃત્યુ પામ્યા હતા એટલે કોરોનાના દર્દીઓને વેન્ટિલેટરમાં રાખવાના નિર્ણયમાં નવેસરથી વિચારણા કરવી જરૂરી છે.
અત્યાર સુધી કોરોનાના દર્દીઓને વેન્ટિલેટરમાં રાખવાની પરિણામ મળતું હતું એવી વ્યાપક થીયરી હતી. ભારત સહિતના દેશો તો મોટી સંખ્યામાં વેન્ટિલેટરની વ્યવસ્થા કરવામાં પડયા છે ત્યારે વેન્ટિલેટરની દર્દીઓના શરીરમાં પડતી અસરો વિશે સંશોધનો કરવા આવશ્યક છે.