કોરોનાના કારણે મૃત્યુઆંક વધવાની આશંકાને પગલે આ દેશે 80 એકર જમીનમાં બનાવ્યું નવુ કબ્રસ્તાન
- આ કબ્રસ્તાનનો ઉપયોગ માત્ર કોરોનાના મૃતકો માટે જ થશે : આ સિવાય પાંચ અન્ય કબ્રસ્તાન બનાવાયા
(પીટીઆઈ) કરાંચી, તા. 3 એપ્રિલ 2020, શુક્રવાર
પડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે.પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૪૫૮ કેસ સામે આવ્યા છે, તો તેમાંથી ૩૫ લોકોના મોત પણ થયા છે. હજુ પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સિવાય મૃત્યુઆંક પણ વધવાની આશંકા સાથે પાકિસ્તાન સરકારે ઘણા વિસ્તારોમાં નવા ક્બ્રસ્તાન બનાવવાની કામગીરી શરૃ કરી દીધી. સૌપ્રથમ તો કરાંચીમાં ૮૦ એકર જમીનમાં નવું કબ્રસ્તાન બનાવ્યાની વાત સામે આવી છે.
પાકિસ્તાનના પંજાબ અને સિંધ વિસ્તાર કોરોનાના કારણે સૌથી વધારે પ્રભાવિત છે. પંજાબમાં ૯૨૮ અને સિંધમાં કોરોનાના ૭૮૩ કેસ સામે આવ્યા છે. ત્યારે પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ પ્રમાણે સિંધ સરકારે કોરોના વાઇરસથી મૃત્યુ પામતા લોકોને દફનાવવા માટે કરાંચીમાં ૮૦ એકર જમીન ફાળવી છે. આ કબ્રસ્તાનમાં પહેલા મૃતકની દફનવિધિ પણ થઇ ચુકી છે. ઉપરાંત આ કબ્રસ્તાનનો ઉપયોગ માત્ર કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામેલા લોકોને દફનાવવા માટે જ થશે.
આ સિવાય જાણવા મળ્યું છે કે કોરોના પિડીતોના અંતિમ સંસ્કાર માટે કુલ પાંચ કબ્રસ્તાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. મેયરના જણાવ્યા પ્રમાણે કોરોનાના દરદીઓને મોહમ્મદ શાહ, સુર્જની, મોવચ ગોથ, કોરંગી, ગુલશન એ જિયા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી શકે છે. ઉપરાંત સરકારે કોરોનાના મૃતકોની દફનવિધિ માટેના દિશા નિર્દેશો પણ જાહેર કર્યા છે.