બ્રિટનની શરમજનક હરકત, ખાલિસ્તાનનું સમર્થન કર્યું, ભારતને 12 દમનકારી દેશોની યાદીમાં ઉમેર્યું
Britain Allegations on India: બ્રિટનની એક સંસદીય સમિતિએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમુક વિદેશી સરકારો બ્રિટનમાં રહેતા લોકોને ડરાવવા-ધમકાવા અને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આ રિપોર્ટ સાથે સમિતિએ પુરાવા પણ રજૂ કર્યા છે. રિપોર્ટનું નામ ટ્રાન્સનેશનલ રિપ્રેશન ઇન ધ યુકે છે. જેમાં બ્રિટનમાં વિદેશી સરકારોની ગતિવિધિઓને માનવાધિકારો માટે જોખમી જણાવાયા છે. આ સાથે જ બ્રિટનની સરકારે તેના પર કાર્યવાહીની માંગ કરી છે.
આ 12 દેશો પર લગાવાયો આરોપ
આ 12 દેશોમાં ભારત સિવાય ચીન, પાકિસ્તાન, ઈરાન, મિસ્ત્ર, રશિયા, બહેરીન, યુએઈ, સાઉદી અરેબિયા, તુર્કીયે, રવાંડા અને ઇરિટ્રિયા સામેલ છે. ભારતે હાલ આ રિપોર્ટ પર કોઈ સત્તાવાર રીતે પ્રતિક્રિયા નથી આપી.
પુરાવામાં ખાલિસ્તાની સંગઠનનો ઉલ્લેખ
રિપોર્ટમાં રજૂ કરવામાં આવેલા પુરાવામાં ભારતના સંદર્ભમાં શીખ ફૉર જસ્ટિસ (SFJ)નો ઉલ્લેખ છે. આ ખાલિસ્તાન સમર્થન સંગઠન છે, જેને ભારતમાં UAPA (The Unlawful Activities (Prevention) Act) હેઠળ ગેરકાયદે સંગઠન જાહેર કર્યું છે.
લોકોની આઝાદી પર રોક
આ સંસદીય સમિતિમાં બ્રિટનમાં અનેક પાર્ટીઓના સાંસદ છે અને આ સમિતિ બ્રિટનની અંદર માનવાધિકારો સાથે જોડાયેલા કેસની તપાસ કરે છે. સમિતિના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેને વિશ્વસનીય પુરાવા મળ્યા છે કે, અનેક દેશના યુકેની ધરતી પર આ પ્રકારની ગતિવિધિઓમાં સામેલ છે, જે લોકો પર ગંભીર પ્રભાવ પાડે છે. તેનાથી લોકોમાં ડર વધી રહ્યો છે, તેમના બોલવા અને ફરવાની આઝાદી પર રોક લગાવે છે.
બ્રિટનની સુરક્ષા એજન્સી MI5 ની તપાસમાં આવા કેસમાં 2022 બાદ 48 ટકાનો વધારો થયો છે. એ પણ જણાવવામાં આવ્યું કે, અમુક દેશ ઇન્ટરપોલના નિયમોનો દુરૂપયોગ કરી રહ્યા છે. તેમાં ચીન, રશિયા અને તુર્કીયેનું નામ સૌથી ઉપર છે. પરંતુ, ભારત અને અમુક અન્ય દેશો પર પણ આવો આરોપ લાગેલો છે. સમિતિએ બ્રિટિશ સરકારના આ મામલે કડક પગલાં લેવાની માંગ કરી છે. જેથી, માનવાધિકારોનું રક્ષણ થઈ શકે.