અલાસ્કામાં ટ્રમ્પને મળ્યા એ પુતિન નહીં, પુતિનના ડુપ્લિકેટ હતા! ઈન્ટરનેટ પર સનસનીખેજ દાવા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Did Putin send a body double to meet Trump? 15 ઓગસ્ટના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલાસ્કામાં મળ્યા હતા. આ મુલાકાત પર આખી દુનિયાની નજર હતી, કેમ કે એના પરિણામસ્વરૂપ યુક્રેન-રશિયા યુદ્ધ અટકી શકે એમ હતું અને ભારત પર અમેરિકાએ લાદેલા વધારાના ટેરિફમાં પણ ઘટાડો થાય એવી વકી હતી. જોકે, તાત્કાલિક તો આ મુલાકાતના એવા કોઈ હકારાત્મક પરિણામ સામે નથી આવ્યા. જે સામે આવ્યા છે એ છે સનસનીખેજ દાવા. એવા દાવા કે ટ્રમ્પને મળવા આવેલા પુતિન હકીકતમાં અસલી પુતિન હતા જ નહીં, પુતિને પોતાના ડુપ્લિકેટ માણસને અલાસ્કા મોકલ્યા હતા! આમ માનવા પાછળ ઈન્ટરનેટ પર એકથી વધારે કારણો અપાઈ રહ્યા છે.
ચહેરાના ઘાટઘૂટ અલગ છે
અલાસ્કા આવેલા પુતિનના વીડિયો ફૂટેજ જોઈને ઇન્ટરનેટ પર એવી ચર્ચા જામી છે કે, આ અસલી પુતિન નહીં, પણ પુતિનના ડુપ્લિકેટ છે. કોન્સ્પીરસી થિયરી (કાવતરાં સિદ્ધાંત)માં માનનારા લોકો એવો દાવો કરી રહ્યા છે કે અલાસ્કા આવેલા પુતિનના ગાલ વધુ ભરેલા લાગતા હતા, જાણે કે તેમણે ફિલર્સ (ચહેરો ભરાવદાર દેખાડવા માટે કરાતી કોસ્મેટિક ટ્રીટમેન્ટ) કરાવ્યા હોય. એ ઉપરાંત તેમનો ચહેરો અસામાન્ય રીતે ખુશમિજાજ દેખાતો હતો. સાચા પુતિન ગંભીર અભિવ્યક્તિ ધરાવે છે, તેઓ ભાગ્યે જ સ્મિત કરે છે, જ્યારે કે અલાસ્કા આવેલા પુતિન વારેવારે સ્મિત રેલાવતા હતા અને તેમના ચહેરા પર અસામાન્ય ઉત્સાહ દેખાતો હતો.
પુતિનની ઓળખસમી ‘ગનસ્લિંગર વૉક’ ગુમ હતી!
પુતિનની ચાલની એક વિશેષતા છે. તેઓ ‘ગનસ્લિંગર વૉક’ ધરાવે છે. આ વૉકમાં વ્યક્તિનો જમણો હાથ લગભગ સ્થિર રહે છે, જ્યારે ડાબો હાથ સામાન્ય રીતે ઝૂલતો હોય છે. આ કોઈ તબીબી સમસ્યા નથી, પરંતુ KGBમાં લીધેલી તાલીમનું પરિણામ છે. એજન્ટો જમણા હાથને સ્થિર રાખે છે, શરીરને લગભગ ચોંટાડીને રાખે છે, જેથી જરૂર પડ્યે ઘડીના છઠ્ઠા ભાગમાં ગજવામાં મૂકેલી કે કમરમાં ખોસેલી ગન કાઢીને ગોળી ચલાવી શકાય. પુતિને પણ યુવાવસ્થામાં રશિયાની ‘સુરક્ષા એજન્સી’ KGBમાં તાલીમ લીધી હોવાથી તેમને જમણો હાથ સ્થિર રાખીને ચાલવાની આદત પડી ગઈ છે. અલાસ્કા આવેલા પુતિનનો જમણો હાથ મુક્તપણે હલતો હતો, એ જોઈને લોકોને એ અસલી પુતિન ન હોવાની શંકા પડી છે.
સોશિયલ મીડિયામાં રસપ્રદ ટિપ્પણીઓ થઈ રહી છે
ડુપ્લિકેટ પુતિન બાબતે સોશિયલ મીડિયા પર લોકો મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, “આ પુતિનનો પાંચમા નંબરનો બોડી ડબલ (ડુપ્લિકેટ) લાગે છે. તેના ચહેરા પર ગોળાઈ વધુ છે, અને તે પુતિનની જાણીતી ‘KGB વૉક’ સાથે નથી ચાલતો.’
બીજાએ લખ્યું હતું કે, ‘આ અસલી પુતિન નથી, પણ તેમનો ‘જોલી પુતિન’ ડબલ (ખુશમિજાજ ડુપ્લિકેટ) છે, જે ઘણીવાર નાના-નાના કાર્યક્રમોમાં ભાગ લેવા જતો હોય છે અને ઉત્તર કોરિયામાં કિમ જોંગ ઉનને મળવા જતો હોય છે.’
અન્ય એક યુઝર્સે લખ્યું હતું કે, ‘જે માણસ હજુ પણ આને સાચો પુતિન માને છે તે મૂર્ખ છે. આ તો પુતિનનો સૌથી સસ્તો ડુપ્લિકેટ છે.’
પુતિનના એકથી વધારે ડુપ્લિકેટ હોવાની અટકળો નવી નથી
પુતિને ડુપ્લિકેટ રાખ્યા હોવાના દાવા પહેલીવાર નથી થયા. તેમણે એક-બે નહીં પૂરા છ ડુપ્લિકેટ રાખ્યા હોવાની ચર્ચા વર્ષોથી ચાલતી આવી છે. પુતિનના ડુપ્લિકેટ હોવાનો મુદ્દો એટલો બધો ચર્ચાયો છે કે એના વિશે ‘વ્લાદિમીર પુતિનના કથિત ડબલ્સ’ નામનું વિકિપીડિયા પેજ પણ બનેલું છે. એમના ડુપ્લિકેટ બાબતે નીચે મુજબના દાવા કરાય છે.
- પુતિનનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હોવાથી તેઓ અમુક-તમુક ઓછા મહત્ત્વના કાર્યક્રમોમાં પોતે હાજર રહેવાને બદલે તેમના ડુપ્લિકેટને મોકલી આપે છે. જેમ કે, કોઈ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવી.
- જીવનું જોખમ હોય એવા સ્થળોએ પુતિન પોતે ન જતાં તેમના ડુપ્લિકેટને મોકલી દે છે.
- પુતિનના એકથી વધુ ડુપ્લિકેટ હોવાની થિયરીના સમર્થકો કહે છે કે, પુતિન જેવા દેખાવા માટે કેટલાક ડબલ્સે સર્જરી કરાવી છે, પરંતુ ચાલ અને ચહેરામાં રહેલી સૂક્ષ્મ ભિન્નતાઓથી તેમને ઓળખી શકાય એમ છે. જેમ કે, પુતિનના અમુક ડુપ્લિકેટ કદમાં અસલી પુતિન જેટલા ઊંચા નથી, એટલે એવા ‘બટકા’ પુતિન જાહેર કાર્યક્રમોમાં દેખાય ત્યારે હીલવાળા જૂતા પહેરે છે. સાચા પુતિન કદી હીલવાળા જૂતા પહેરતા નથી.
- પુતિને ડુપ્લિકેટ રાખ્યા હોવાની ચર્ચા વર્ષ 2004થી ચાલુ છે. આટલા વર્ષોમાં પુતિનના અલગઅલગ એન્ગલથી લેવાયેલા સેંકડો ફોટોગ્રાફનો અભ્યાસ કરનારા નિષ્ણાતો કહે છે કે, પુતિનની ઊંચાઈ, કાનના આકાર અને વજનમાં બદલાવ સાફ જોઈ શકાય છે, જે એકથી વધુ પુતિન હોવાની શક્યતાની પુષ્ટિ કરે છે.
- છેલ્લા થોડા વર્ષોમાં યુક્રેન અને બ્રિટનના મીડિયાએ પુતિનના ડુપ્લિકેટ હોવાની થિયરીને ભરપૂર ચગાવી છે. જોકે, રશિયન અધિકારીઓ અને ખુદ પુતિન પોતે તેમના કોઈ ડુપ્લિકેટ ન હોવાનું ગાણું ગાયા કરે છે.
આ પણ વાંચો: પુતિન સાથે મુલાકાત બાદ ટ્રમ્પનો મોટો નિર્ણય, તાત્કાલિક ઝેલેન્સ્કીને અમેરિકા બોલાવ્યાં
પુતિન જીવિત જ નથી!
પુતિન બાબતે એક ચર્ચા એવી પણ ચાલે છે કે અસલી પુતિન તો કોઈ ગંભીર બિમારીને લીધે 2004 માં જ અવસાન પામ્યા હતા. રશિયાના હિતોને નુકસાન ન થાય, પુતિને ઊભી કરેલી ‘આણ’ ઓછી ન થાય, એ માટે રશિયાની સરકાર ડુપ્લિકેટ પુતિનોને સહારે દેશનું સંચાલન કરી રહી છે.









