Colombian President Challenged US President : અમેરિકી સેના દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ પડોશી દેશ કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે. પેટ્રોએ અમેરિકી કાર્યવાહીની આકરી ટીકા કરતા ટ્રમ્પને પડકાર ફેંક્યો છે કે, ‘આવો મને પકડી લો, હું અહીં જ રાહ જોઈ રહ્યો છું.’ તેમણે ચેતવણી આપી હતી કે, જો અમેરિકા બોમ્બમારો કરશે તો હજારો ગ્રામીણ લોકો પહાડોમાં જઈને 'ગેરિલા' બની જશે અને જો રાષ્ટ્રપ્રમુખની અટકાયત થશે તો જનતાના રોષનો સામનો કરવો પડશે.
માતૃભૂમિ માટે ફરી હથિયાર ઉઠાવવાની તૈયારી
ઉલ્લેખનીય છે કે ગુસ્તાવો પેટ્રો (Gustavo Petro) 1990ના દાયકામાં વામપંથી ગેરિલા લડવૈયા રહી ચૂક્યા છે. તેમણે હથિયાર છોડતી વખતે ક્યારેય શસ્ત્ર ન ઉઠાવવાના સોગંદ લીધા હતા, પરંતુ વર્તમાન સ્થિતિ જોતા તેમણે કહ્યું કે, ‘અમે માતૃભૂમિની રક્ષા માટે ફરીથી હથિયાર ઉઠાવવા તૈયાર છીએ.’
ડ્રગ્સના મુદ્દે ટ્રમ્પ અને પેટ્રો સામસામે
આ તણાવ ત્યારે વધ્યો જ્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) રવિવારે કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘કોલંબિયાને એક એવો 'બીમાર માણસ' ચલાવી રહ્યો છે જેને કોકેઈન બનાવીને અમેરિકામાં વેચવી ગમે છે. અમે લાંબા સમય સુધી આ સહન નહીં કરીએ.’ નોંધનીય છે કે કોલંબિયા વિશ્વમાં સૌથી વધુ કોકેઈનનું ઉત્પાદન કરતો દેશ છે અને ટ્રમ્પે ઓક્ટોબર મહિનામાં જ નશીલા પદાર્થોના વેપાર મુદ્દે પેટ્રો અને તેમના પરિવાર પર પ્રતિબંધ મૂક્યો હતો.
માદુરોની ધરપકડ અને વ્હાઈટ હાઉસનો કટાક્ષ
શનિવારે અમેરિકી સેનાએ વેનેઝુએલાની રાજધાની કારાકસમાં ઓપરેશન કરીને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરી હતી, જેમને હવે ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા છે. માદુરોએ પણ ઓગસ્ટ મહિનામાં ટ્રમ્પને 'કાયર' કહીને પકડી લેવાનો પડકાર ફેંક્યો હતો. વ્હાઈટ હાઉસે સોશિયલ મીડિયા પર માદુરોનો મજાક ઉડાવતો એક વીડિયો શેર કર્યો છે, જેમાં માદુરોનો જૂનો પડકાર અને ત્યારબાદ અમેરિકી સેના દ્વારા તેમની ધરપકડના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ઈરાનમાંથી દેશનિકાલ કરાયેલા પ્રિન્સે ખામેનેઈનું વધાર્યું ટેન્શન, જાણો શું કહ્યું


