Crown Prince Reza Pahlavi On Iran Supreme Leader Ali Hosseini Khamenei : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઇશારા પર વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવ્યા બાદ ઈરાન, ક્યુબા, ગ્રીનલૅન્ડ સહિતના દેશો પર કાર્યવાહીનું સંકટ તોળાઈ રહ્યું છે. એકતરફ ઈરાનમાં ભયંકર વિરોધ ચાલી રહ્યો છે, જેના કારણે સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ દેશ છોડવાની યોજના પણ ઘડી કાઢી છે, ત્યારે આ સંકટ વચ્ચે ઈરાનમાંથી દેશનિકાલ કરાયેલા ક્રાઉન પ્રિન્સ રજા પહલવીએ ખામેનેઈના સંકટમાં વધારો કર્યો છે. દેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રિન્સે વર્તમાન સ્થિતિને ખામેનેઈના શાસનનો અંત લાવવાની તક ગણાવી છે.
ઈરાનની પ્રજા શાસન ઉથલાવવામાં સક્ષમ : રજા પહલવી
અમેરિકન અખબાર ધ વૉલ સ્ટ્રીટ જનરલ સાથેની વાતચીતમાં પ્રિન્સે કહ્યું કે, ‘ઈરાનની વર્તમાન ધર્મતાંત્રિક વ્યવસ્થાને ખતમ કરવા માટે અમેરિકાએ સૈન્યને હસ્તક્ષેપ કરવાની અથવા સ્પેશિયલ ઓપરેશન કરવાની જરૂર નથી, કારણ કે, ઈરાનની પ્રજા જાતે જ શાસન ઉથલાવી શકે છે. હાલના સમયમાં ઈરાનમાં ઇસ્લામિક શાસન સૌથી ખરાબ સમયમાં આવી ગયું છે.’
આ પણ વાંચો : નેપાળમાં ધાર્મિક સ્થળ પર તોડફોડ બાદ ભારે તણાવ, કરફ્યુનો આદેશ: ભારત સાથેની બોર્ડર સીલ
પહલવીએ પ્રદર્શનકારીઓનું સમર્થન કર્યું
ઈરાન શાસન વિરુદ્ધના મુખ્ય વિપક્ષી અવાજ મનાતા રજા પહલવી લાંબા સમયથી લોકશાહી અને બિનસાંપ્રદાયિક ઈરાનની વકાલત કરી રહ્યા છે. તેમણે ઈરાનમાં પ્રદર્શનકારીઓનું સમર્થન કર્યું છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ઈરાનની પ્રજાની મદદ કરવાની અપીલ કરી છે.
પ્રદર્શનકારીઓ ઇસ્લામિક શાસને ખતમ કરવાનો પણ વિરોધ કરી રહ્યા છે : પ્રિન્સ
તેમણે ઈરાન ચાલી રહેલા વિરોધ અંગે કહ્યું કે, ‘ઈરાનમાં ચાલી રહેલા સંકટમાં બહારના દેશે વિશેષ ઓપરેશન કરવાની કે પછી સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર હોય, તેવું મને લાગતું નથી. ખામેનેઈનું શાસન આપોઆપ ખતમ થઈ રહ્યું છે. હાલ ઈરાન સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ઈરાનના લોકો માત્ર મોંઘવારી, બેરોજગારી અને આર્થિક સંકટના કારણે વિરોધ કરી રહ્યા નથી, સાથે તેઓ ઇસ્લામિક શાસનને ખતમ કરવાની માંગને લઈને રસ્તા પર વિરોધ કરી રહ્યા છે. ઈરાનનું વર્તમાન સંકટ અગાઉના વિરોધ પ્રદર્શનો કરતાં અલગ છે. હાલમાં પરિસ્થિતિમાં ઈરાન શાસનથી છૂટકારો મેળવવાની તક ઊભી થઈ છે. આંતરરાષ્ટ્રીય દબાણ અને ઈસ્લામિક શાસનની વિશ્વસનીયતા સહિતની સમસ્યાઓમાં ખામેનેઈના નેતૃત્વ માટે ગંભીર પડકારો ઊભા થયા છે.’
આ પણ વાંચો : માદુરોની ધરપકડ મુદ્દે UNમાં હોબાળો! અમેરિકાનો જવાબ સાંભળી ચીન-રશિયા ભડક્યા


