ઈરાનમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ વધ્યું : મૃત્યુઆંક 32ને પાર


- 22 વર્ષની યુવતીનાં મોત પછી ઈરાનમાં ઈજાબ સામે વિરોધ

- 30થી વધુ શહેરોમાં ઈન્ટરનેટ બંધ : પ્રદર્શનકારીઓએ પાટનગરમાં ઠેર-ઠેર આગ ચાંપી, ટોળાને વિખેરવા પોલીસનો બળપ્રયોગ

તેહરાન : ઈરાનમાં ૨૨ વર્ષની યુવતી મહસા અમીનીનું હિજાબ ન પહેરવા બદલ ધરપકડ પછી પોલીસ કસ્ટડીમાં મોત થયું ત્યારબાદ ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૩૨ લોકોના મોત થઈ ચૂક્યા છે. લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે પાટનગર તેહરાન સહિત ઘણાં શહેરોમાં ઘર્ષણ થયું હતું. પોલીસે પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કર્યો હતો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ પ્રદર્શનકારીઓ લગાવી રહ્યા છે. બીજી તરફ પ્રદર્શનકારીઓ જાહેર પ્રોપર્ટીને નુકસાન કરી રહ્યા હોવાથી તેમને કાબૂમાં રાખવા બળપ્રયોગ થયાનું પોલીસ કહે છે. એ દરમિયાન હજારો પ્રદર્શનકારીઓએ પાટનગર તેહરાનમાં ગાડીઓને આગ ચાંપી હતી. ઠેર-ઠેર આગ લગાવાઈ હતી. એ દરમિયાન પોલીસના ગોળીબારમાં પ્રદર્શનકારીઓનાં મોત થયા હતા. હિંસા શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ ૩૨ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. પોલીસના બળપ્રયોગ બાબતે ઈરાનની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે. તેહરાનમાં યુનિવર્સિટી કેમ્પસને પ્રદર્શનકારીઓએ કબજે કરી લીધું હતું અને એ સ્થળે ઉગ્ર દેખાવો કર્યા હતા. ઈરાનના સરકારી મીડિયાએ કહ્યું હતું એ પ્રમાણે પાટનગર તેહરાન સહિત દેશના ૧૩ શહેરોમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.

સરકારે હિંસાને રોકવા માટે કેટલાય શહેરોમાં ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી હતી. ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ઈરાનમાં બ્લોક કરી દેવાયા હતા. શરૂઆતમાં મહિલાઓએ હિજાબ સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. પોલીસના બળપ્રયોગથી વિફરેલા લોકોએ હવે સરકારી સંપત્તિને આગ લગાડવાનું શરૂ કર્યું છે. ઈરાનમાં હિજાબ સામે સર્વાધિક વિરોધ પ્રદર્શનો કુર્દ બહુમતી ધરાવતા વિસ્તારોમાં થઈ રહ્યો છે.

૨૨ વર્ષની યુવતી મહસાની હિજાબ ન પહેરવા મુદ્દે પોલીસે પોલીસે ધરપકડ કરી તે પછી ભેદી સંજોગોમાં એનું હોસ્પિટલમાં પોલીસ કસ્ટડી દરમિયાન જ મોત થયું તેની અમેરિકા, બ્રિટન, યુરોપિયન સંઘ અને સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ ટીકા કરી હતી.

City News

Sports

RECENT NEWS