બેઈજિંગ, તા. 14 જુલાઇ, 2020, મંગળવાર
ચીની પ્રોડક્ટના વૈશ્વિક બહિષ્કાર વચ્ચે પણ ચીને 213 અબજ ડોલરની ચીજવસ્તુઓની નિકાસ કરી હતી. આયાતના આંકડાં પણ નોંધપાત્ર રહ્યા હતા. ચીને જૂન માસમાં જ વિશ્વ પાસેથી 167 અબજ ડોલરની આયાત કરી હતી. ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડવોર ચાલી રહ્યું હોવા છતાં ચીને અમેરિકા પાસેથી 10 ટકાના વધારા સાથે આયાત કરી હતી.
ચીનનું આૃર્થતંત્ર ફરીથી ટ્રેક ઉપર ચડી રહ્યું હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. ચીનના સીમા શુલ્ક વિભાગના નવા અહેવાલ પ્રમાણે જૂન માસમાં ચીને વિશ્વબજારમાંથી 167 અબજ ડોલરની આયાત કરી હતી.
અમેરિકા-ચીન વચ્ચે સતત તંગદિલી ચાલતી હોવા છતાં ચીને અમેરિકા પાસેથી મે માસની સરખામણીએ જૂન માસમાં 10 ટકા વધારે ચીજવસ્તુઓ આયાત કરી હતી. અમેરિકામાંથી આવતી ચીજવસ્તુઓ પર ચીને ઊંચા ચાર્જ વસૂલ્યા હોવા છતાં નોંધપાત્ર આયાત રહી હતી.
જૂન માસમાં જ ચીને અમેરિકામાંથી 10.4 અબજ ડોલરની આયાત કરી હતી. તો બીજી તરફ અમેરિકાએ પણ ચીન પાસેથી 39 અબજ ડોલરનો સામાન ખરીદ્યો હતો. અગાઉ મે મહિનામાં ચીનની આયાત 3.3 ટકા ઘટી ગઈ હતી, પરંતુ જૂન માસમાં વૈશ્વિકબજારો ફરીથી થોડા ધમધમતા થયા હોવાથીચીનની આયાતમાં નોંધપાત્ર વધારો થયો હતો.
નિકાસમાં પણ ચીને મે માસની સરખામણીમાં ઉજળો દેખાવ કર્યો હતો. જૂન માસમાં ચીન સામે બહિસ્કારશરૂ થયો હતો, છતાં ચીને 0.4 ટકાના મામૂલી વધારા સાથે 213 અબજ ડોલરની ચીજવસ્તુઓ વૈશ્વિક માર્કેટમાં ઠાલવી હતી.
અગાઉ મે માસમાં ચીની પ્રોડક્ટની નિકાસમાં 16.7 ટકાનો માતબર ઘટાડો થયો હતો. એ મહિનામાં વિશ્વ બજાર બંધ રહ્યા હોવાની અસર ચીનની નિકાસ પર પડી હતી. 2020ના પ્રથમ ત્રિમાસિકમાં ચીની આૃર્થતંત્રમાં 6.8 ટકાનો કડાકો બોલ્યો હતો, તેમ છતાં છેલ્લાં મહિનાની આયાત અને નિકાસના આંકડાંમાં ચીને પ્રદર્શન સુધાર્યું હતું.


