અમેરિકાએ તાઇવાનને પૈટ્રિયોટ મિસાઇલો આપતા ચીનનાં પેટમાં તેલ રેડાયું
બિજીંગ, 10 જુલાઇ 2020 શુક્રવાર
અમેરિકાએ તેના મિત્ર દેશ તાઇવાનને પૈટ્રિયોટ એડવાન્સ કેપેબિલીટી -3 મિસાઇલોનું વેચાણ કરતા ચીનનાં પેટમાં તેલ રેડાયું છે, તેના સત્તાવાર માધ્યમોએ કાગારોળ શરૂ કરી દીધી છે.
620 મિલિયન ડોલરનાં અંદાજીત ખર્ચવાળા આ સંરક્ષણ સોદાને અમેરિકાની મંજૂરી પછી ચીનનાં અગ્રણી સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે તાઈવાન અને અમેરિકાને આગથી ન રમવા માટે ચેતવ્યા છે.
આ દિવસોમાં ચીનનાં પણ દક્ષિણ ચાઇના સમુદ્રમાં બે અમેરિકન વિમાનવાહક જહાજોની દાવપેચથી રોષે ભરાયું છે.
ગ્લોબલ ટાઇમ્સે શેખી મારતા લખ્યું હતું કે ચીને પોતાની સૈન્ય શક્તિમાં એટલો વધારો કરી લીધો છે કે તાઇવાન અમેરિકા પાસેથી ગમે તેટલા સૈન્ય ઉપકરણો અને હથિયારોની ખરીદી લે તેનાથી કોઇ ફરક નહીં પડે.
ચીની મીડિયાએ દાવો કર્યો છે કે તાઇવાનનું સંરક્ષણ બજેટ ફક્ત 11 અબજ ડોલર છે. જેનો ઉલ્લેખ ચીનની સેના સમક્ષ કરવો પણ યોગ્ય નથી.
ચીની મીડિયાએ અમેરિકા અને તાઇવાનને ચેતવણી આપી હતી કે જો એક વખત પણ વ્યૂહાત્મક ભૂલનાં કારણે તાઇવાનની ખાડીમાં ગોળીબાર થયો તો મોટા પાયે યુદ્ધ થવાની સંભાવના છે.
ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે અમેરિકા અને તાઇવાને આગ સાથે રમવું ન જોઈએ. એકવાર આ પ્રદેશમાં યુદ્ધ ફાટી નીકળશે, પછી ચીન રાષ્ટ્રની સાર્વભૌમત્વનું દરેક કિંમતે રક્ષણ કરશે.