PHOTOS : Gen-Zએ આગચાંપીને 3600 કરોડમાં બનેલી નેપાળની સંસદના જુઓ કેવા હાલ કર્યા
Nepal Gen-Z Protest: નેપાળમાં સરકારના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે ફાટી નીકળેલા ‘Gen Z’ આંદોલને હિંસક સ્વરુપ ધારણ કર્યું છે. સ્થિતિ બેકાબૂ થતા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. જો કે, વડાપ્રધાનના રાજીનામાં બાદ પણ સ્થિતિ શાંત નથી થઈ. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર, સુપ્રીમ કોર્ટ તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના કારણે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે.
Gen-Zએ સંસદ ભવનમાં આગ ચાંપી દીધી
મંગળવારે ભીડે રાજધાની કાઠમંડુમાં સંસદ ભવનમાં આગ ચાંપી દીધી હતી, જેના કારણે આકાશમાં કાળો ધુમાડો છવાઈ ગયો હતો. દેશભરમાં સરકારી ઈમારતો અને રાજકીય નેતાઓના ઘરો પર હુમલા કરવામાં આવ્યા છે. નેતાઓના બંગલામાં હંગામો અને આગ લગાવતા ઘણા વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે.
નેપાળના સેના પ્રમુખે મંગળવારે રાત્રે એક નિવેદન જારી કરીને પ્રદર્શનકારીઓ પર હાલના સંકટનો ફાયદો ઉઠાવીને જાહેર અને અંગત સંપત્તિને નુકસાન પહોંચાડવાનો, લૂંટવાનો અને આગ લગાવવાનો આરોપ લગાવ્યો છે.
મંગળવારે પ્રદર્શનકારીઓએ સંસદ ભવન અને સિંહ દરબારને પણ આગ ચાંપી દીધી હતી. સિંહ દરબારમાં ઘણી સરકારી ઈમારતો છે. પ્રદર્શનકારીઓના જૂથ દ્વારા ઘણા નેતાઓ અને મંત્રીઓના ઘરોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે.
સંસદ ભવનનું નિર્માણ વર્ષ 2019માં થયુ હતું
પ્રદર્શનકારીઓએ સંસદને બાળીને રાખ કરી દીધી છે. સંસદની દિવાલો જે પહેલા સુંદર અને આલીશાન દેખાતી હતી તે હવે કાળી અને સળગી ગયેલી નજર આવી રહી છે. સંસદની અંદર રાખેલો સામાન પણ સળગાવી દેવામાં આવ્યો છે. સંસદમાં આગળથી મુખ્ય ઈમારતનેનુકસાન તો થયું છે, પરંતુ તે સંપૂર્ણપણે નષ્ટ નથી થઈ ગઈ. તમને જણાવી દઈએ કે, સંસદ ભવનનું નિર્માણ વર્ષ 2019માં સિંહ દરબાદ સંકુલની અંદર કરાવવામાં આવ્યું હતું.
નેપાળની સંસદ 3 હજાર 600 કરોડના ખર્ચે બની હતી
મીડિયા અહેવાલ પ્રમાણે આ સંસદને બનાવવામાં લગભગ 5.802 બિલિયન નેપાળી રૂપિયાનો ખર્ચ થયો હતો. ભારતીય રૂપિયામાં આ ખર્ચ લગભગ 3 હજાર 600 કરોડ થાય છે. સંસદ ભવનની બહાર જે ગાર્ડન હતો, ત્યાં હવે સળગી ગયેલો સામાન વિખેરાયેલો નજર આવી રહ્યો છે.
આ પહેલા સંસદ ભવનમાં કાયદાકીય કામકાજ ચાલતુ હતું. ચર્ચાઓ, કાયદા ઘડતર અને રાજકીય પક્ષોની પ્રવૃત્તિઓ થતી હતી. બહાર સુરક્ષા દળો તહેનાત રહેતા હતા, પરંતુ માહોલ સામાન્ય રહેતો હતો. જોકે, હવે સંસદ પરિસરમાં તોડફોડ અને આગચંપીની ઘટના પછી લોકોએ ખુરશીઓ, ટેબલો, દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોને બાળીને રાખ કરી દીધા છે.
આ પણ વાંચો: નેપાળમાં સ્થિતિ બેકાબૂ થતાં આર્મીએ લાદ્યો કરફ્યુ, દેખાવકાર Gen-Zએ રજૂ કરી માગણીઓ
અરાજકતા અને હિંસા બાદ આખી ઈમારત ખંડેર બની ગઈ
સંસદની દિવાલો અને ઓરડાઓ પર ધુમાડા અને સળગી જવાના નિશાન દેખાય રહ્યા છે. અરાજકતા અને હિંસા બાદ આખી ઈમારત ખંડેર જેવી હાલતમાં છે. સુરક્ષા દળોએ ચારે બાજુ બેરિકેડ લગાવી દીધા છે અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ તેની કોઈ અસર દેખાય નથી રહી.
સંસદ ભવનમાં જ્યાં પહેલા પ્રતિનિધિ સભા અને રાષ્ટ્રીય સભા, મુખ્ય સભા ખંડ, મીડિયા ગેલેરી, વિઝિટર ગેલેરી, સંસદીય સમિતિઓના રૂમ, પુસ્તકાલય અને વહીવટી કચેરીઓ હતી, ત્યાં હવે માત્ર રાખ જ દેખાય રહી છે.
સંસદ ભવનની ડિઝાઈન નેપાળની પરંપરાગત અને આધુનિક શૈલીનું મિશ્રણ
સંસદ ભવનની ડિઝાઈન નેપાળની પરંપરાગત અને આધુનિક શૈલીનું મિશ્રણ છે. તેમાં નેપાળી પેગોડા શૈલી અને આધુનિક આર્કિટેક્ચરની ઝલક જોવા મળે છે. લાકડાની કોતરણી અને નેપાળી સંસ્કૃતિના પ્રતીકો તેને ખાસ બનાવે છે. જોકે, હવે તસવીર બદલાઈ ગઈ છે.