અમેરિકા અને નાટોની નારાજગી વચ્ચે પણ પુતિન આવશે ભારત, જાણો તેમનો એજન્ડા શું
Putin India Visit: રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વધી રહેલા વૈશ્વિક તણાવ અને અમેરિકા-નાટોની નારાજગી છતાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં ભારતના પ્રવાસે આવશે. પુતિનનો આ પ્રવાસ ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનના સંબંધમાં છ, જે 2021 બાદ પહેલીવાર નવી દિલ્હીમાં આયોજિત થશે. પુતિન આ પ્રવાસ એવા સમયે કરી રહ્યા છે જ્યારે અમેરિકા અને નાટોમાં સામેલ દેશ રશિયા પર સતત પ્રતિબંધ લગાવી રહ્યા છે અને ભારત પર રશિયા સરંક્ષણ અને ઊર્જા સહયોગ પર ફરીથી વિચાર કરવા માટે દબાણ બનાવી રહ્યા છે.
પુતિનના ભારત પ્રવાસનો એજન્ડા શું છે?
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સંમેલનમાં સંરક્ષણ સહયોગ, ઉર્જા સંબંધો, પરમાણુ ઉર્જામાં ભાગીદારી, આર્કટિક ક્ષેત્રમાં સહયોગ અને હાઈ-ટેક ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવશે. યુરોપિયન યુનિયન (EU) દ્વારા લાદવામાં આવેલા નવા પ્રતિબંધો વચ્ચે આ સંમેલન ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદી અને રશિયન પ્રમુખ પુતિનની આ મુલાકાત ક્યારે થશે તે હજુ નક્કી નથી. ભારત-રશિયા સંમેલનમાં ખાદ્ય સુરક્ષા પણ એક મહત્વપૂર્ણ મુદ્દો બની શકે છે. પુતિને તાજેતરમાં કહ્યું હતું કે, પીએમ મોદીની વિનંતી પર રશિયાએ ભારતમાં ખાતરની નિકાસ વધારી છે. ખાતર ખેતી માટે જરૂરી છે. બીજી તરફ ભારત અને રશિયા વચ્ચે નવા પરમાણુ પ્લાન્ટના બીજા સ્થાનને અંતિમ રૂપ આપવાની પ્રક્રિયા પણ આ શિખર સંમેલન દરમિયાન પૂરી થઈ શકે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે કહ્યું હતું કે, ભારત-રશિયા શિખર સંમેલન મહત્ત્વપૂર્ણ છે. છેલ્લી વખત આ સંમેલન મોસ્કોમાં યોજાયુ હતું, હવે ભારતનો વારો છે. તારીખો પરસ્પર સહમતિથી નક્કી કરવામાં આવશે.
અમેરિકા અને NATO કેમ નારાજ?
રશિયા સામે પશ્ચિમી પ્રતિબંધો છતાં ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું અને સરંક્ષણ ભાગીદારી ચાલુ રાખી છે. અમેરિકા ઈચ્છે છે કે, ભારત રશિયાથી અંતર જાળવી રાખે, ખાસ કરીને હાઈ ટેક અને સૈન્ય મામલે કોઈ વેપાર ન કરે. બીજી તરફ NATO દેશ એ બાબતથી ચિંતિત છે કે, ભારતનું આ સ્ટેન્ડ G7 અને પશ્ચિમી દુનિયાની વ્યૂહરચના નબળી પાડી શકે છે. જોકે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, ભારત પોતાની વિદેશ નીતિ સ્વતંત્ર રીતે નક્કી કરે છે. રશિયા એક જૂનું અને વિશ્વાસપાત્ર સહયોગી છે.
ઓપરેશન સિંદૂરનું સમર્થન
ઓપરેશન સિંદૂર વખતે રશિયન પ્રમુખે ભારતના આતંકવાદ વિરોધી કાર્યવાહીનું સમર્થન કર્યું હતું. તે સમયે રશિયાની S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અને ભારત-રશિયન સંયુક્ત સાહસ બ્રહ્મોસે પાકિસ્તાની સૈન્ય હથિયારોને નષ્ટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ હથિયારો મોટાભાગે ચીનથી આવ્યા હતા.