ચીને સ્વાઈન ફ્લુ G4 ઘાતક હોવાના દાવાને નકાર્યો, કહ્યું- આ વાયરસ છે ઘણો જૂનો
વિશ્વના એક કરોડથી વધારે લોકો કોરોના મહામારીના લપેટમાં તેવામાં નવો વાયરસ વધુ ઘાતક બની શકે
બેઈજિંગ, તા. 5 જુલાઈ 2020, રવિવાર
ચીનના કૃષિ વિભાગના કહેવા પ્રમાણે સ્વાઈન ફ્લુ G4 કોઈ નવો વાયરસ નથી અને તે કોઈ મનુષ્ય કે પ્રાણીને સંક્રમિત કરવા માટે પણ સક્ષમ નથી. કૃષિ વિભાગે કરેલા દાવા પ્રમાણે આ વાયરસથી કોઈને કોઈ પણ જાતનું નુકસાન થવાની સંભાવના નથી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ નેશનલ અકેડમી ઓફ સાયન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા અમેરિકી અહેવાલમાં આ વાયરસને મનુષ્ય માટે ઘાતક અને મહામારી ફેલાવવા માટે સક્ષમ ગણવામાં આવ્યો હતો.
જો કે ચીની કૃષિ મંત્રાલયે અમેરિકી અહેવાલને મીડિયા દ્વારા ફેલાવવામાં આવેલી અફવા ગણાવીને આ રિપોર્ટમાં વાયરસને ઘાતક સિદ્ધ કરી શકે તેવા કોઈ પુરાવા નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
નવા ફ્લુ વાયરસની ઓળખ મેળવી
ઉલ્લેખનીય છે કે ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે અને વિશ્વના એક કરોડ કરતા પણ વધારે લોકો આ જીવલેણ વાયરસની લપેટમાં આવ્યા છે. ત્યારે ચીનના વૈજ્ઞાનિકોએ એક નવા ફ્લુ વાયરસને શોધી કાઢ્યો છે જે મહામારીનું સ્વરૂપ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. ચીનના વૈજ્ઞાનિકોને સ્થાનિક ભૂંડમાંથી આ નવો વાયરસ મળી આવ્યો છે અને તે મનુષ્યમાં પણ ફેલાઈ શકે છે. ચીની વૈજ્ઞાનિકોએ કરેલા દાવા પ્રમાણે આ વાયરસ પણ જીવલેણ મહામારીનું સ્વરૂપ લઈ શકે છે.
સંશોધકોના મતે નવો સ્વાઈન ફ્લુ G4 પોતે H1N1 સ્વાઈન ફ્લુનો આનુવંશિક વંશજ છે. આ નવા સ્વાઈન ફ્લુનું નામ G4 છે અને તે પહેલા કરતા વધારે ઘાતક છે. આ સંજોગોમાં જો તે કોરોના મહામારી (કોવિડ-19)ના સંપર્કમાં આવે તો તે વધુ ફેલાય તેવી સંભાવના છે.
આનો ફેલાવો અટકાવવો મુશ્કેલ થશે
કોરોના વાયરસ પહેલા 2009માં વિશ્વમાં અંતિમ વખત ફ્લુ મહામારી આવી હતી અને તે સમયે તેને સ્વાઈન ફ્લુ નામ આપવામાં આવ્યું હતું. મેક્સિકોથી શરૂ થયેલો સ્વાઈન ફ્લુ જે પ્રમાણે અનુમાન હતું તેટલો ઘાતક નહોતો. પરંતુ આ વખતે કોરોના વાયરસના કારણે એક કરોડ કરતા પણ વધારે લોકો સંક્રમિત છે અને જો આ સંજોગોમાં નવો વાયરસ ફેલાય તો તેને રોકવો અઘરો પડી જાય.
મનુષ્યો ખરાબ રીતે સંક્રમિત થઈ શકે
નેશનલ અકેડમી ઓફ સાયન્સમાં છપાયેલા અહેવાલ પ્રમાણે ફ્લુના આ નવા સ્ટ્રેઈનમાં માણસોને ખરાબ રીતે સંક્રમિત કરવાની ક્ષમતા છે. અભ્યાસ પ્રમાણે ભૂંડમાંથી મળી આવતા આ સ્ટ્રેઈન મનુષ્યને પણ સંક્રમિત કરી શકે છે.