| (AI IMAGE) |
Donald Trump Greenland Threats: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડને ખરીદવાની ઈચ્છા અને તેને અમેરિકાના કબજામાં લેવાની ધમકીઓ વચ્ચે હવે આર્કટિક ક્ષેત્રમાં સૈન્ય હલચલ તેજ થઈ ગઈ છે. અમેરિકાએ ગ્રીનલેન્ડના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના એવા પિટુફિક સ્પેસ બેઝ પર નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ(NORAD)ના વિમાન તૈનાત કર્યા છે. અમેરિકાનું કહેવું છે કે આ પગલું ઉત્તર અમેરિકાની સુરક્ષા અને મિસાઈલ વોર્નિંગ સિસ્ટમ માટે જરૂરી છે અને આ અંગે ડેનમાર્ક તેમજ ગ્રીનલેન્ડને અગાઉથી જાણ કરવામાં આવી હતી.
ડેનમાર્કનું શક્તિ પ્રદર્શન: ગ્રીનલેન્ડમાં સૈન્ય વધારો
બીજી તરફ, ડેનમાર્કે પણ ગ્રીનલેન્ડમાં પોતાની સૈન્ય હાજરીમાં મોટો વધારો કર્યો છે. ડેનમાર્ક દ્વારા સેના પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં સૈનિકો અને લશ્કરી સાધનો નૂક(Nuuk) અને કાંગેરલુસુઆક ખાતે ઉતારવામાં આવ્યા છે. નાટો(NATO) દેશોનું કહેવું છે કે આ તૈનાતી ગ્રીનલેન્ડની સ્વાયત્તતાના રક્ષણ માટે કરવામાં આવી છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસન રાષ્ટ્રીય સુરક્ષાના બહાને આ સંસાધન-સમૃદ્ધ ટાપુ પર નિયંત્રણ મેળવવા માંગે છે.
ટ્રમ્પનો આર્થિક પ્રહાર: 10% ટેરિફની જાહેરાત
ગ્રીનલેન્ડ મુદ્દે વધતા તણાવ વચ્ચે ટ્રમ્પે અત્યંત કડક આર્થિક વલણ અપનાવ્યું છે. યુરોપિયન દેશો દ્વારા ગ્રીનલેન્ડમાં કરવામાં આવેલી સૈન્ય ગતિવિધિઓના જવાબમાં, અમેરિકાએ ડેનમાર્ક, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સહિતના દેશો પર 10% વધારાની આયાત ડ્યુટી(ટેરિફ) લાદવાની જાહેરાત કરી છે. આ નવા ટેરિફ 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે અને જો ગ્રીનલેન્ડના વેચાણ બાબતે કોઈ નક્કર સમજૂતી નહીં થાય, તો 1 જૂનથી આ શુલ્ક વધારીને 25% કરી દેવાની ચીમકી પણ આપવામાં આવી છે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જ્યાં સુધી ગ્રીનલેન્ડની સંપૂર્ણ ખરીદી અંગે કરાર નહીં થાય, ત્યાં સુધી આ આર્થિક દબાણ ચાલુ રહેશે, જેના કારણે હવે આ વિવાદ માત્ર સૈન્ય પૂરતો મર્યાદિત ન રહેતા મોટા વેપાર યુદ્ધમાં ફેરવાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: ટ્રમ્પ સરકારમાં ભારતીય વિદ્યાર્થીઓનો US પ્રત્યે મોહભંગ, દાયકાઓનો સૌથી મોટો ઘટાડો નોંધાયો
યુરોપિયન નેતાઓએ અમેરિકાના આ પગલાની આકરી ટીકા કરતા ચેતવણી આપી છે કે આનાથી આંતરરાષ્ટ્રીય સંબંધો બગડશે અને વેપાર ક્ષેત્રે જોખમી સ્થિતિ પેદા થશે. ગ્રીનલેન્ડની ભૌગોલિક સ્થિતિ અને ત્યાં રહેલા કુદરતી સંસાધનોને કારણે હવે આ ટાપુ વૈશ્વિક સત્તા સંઘર્ષનું કેન્દ્ર બની ગયો છે.


