ટ્રમ્પ-પુતિનને મોટો ઝટકો, ચીને પરમાણુ કાર્યક્રમ મુદ્દે અમેરિકા-રશિયા સાથે વાતચીતનો કર્યો ઈનકાર
Russia America China Talk Update: ભારતની સાથે ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને ચીને મોટો ઝટકો આપ્યો છે. ચીને પરમાણુ અપ્રસાર (ન્યૂક્લિયર નોન-પ્રોલિફરેશન) પર ચર્ચા કરવા અમેરિકા અને રશિયા સાથે બેઠક કરવાનો ઈનકાર કરી દીધો છે. ચીને જણાવ્યું કે, તે અમેરિકા અને રશિયા સાથે પરમાણુ નિઃશસ્ત્રીકરણ બેઠકમાં સામેલ થશે નહીં.
પરમાણુ અપ્રસાર સંધિ હેઠળ યોજાનારી ત્રિપક્ષીય બેઠકની અપીલને ચીને ફગાવી દીધી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને જણાવ્યું કે, ચીન પાસે ત્રિપક્ષીય બેઠકમાં સામેલ થવાની અપેક્ષા તર્કસંગત નથી, તેમજ વ્યવહારુ પણ નથી. કારણકે, ત્રણેય દેશોની પરમાણુ ક્ષમતા અસમાન છે. ઉલ્લેખનીય છે કે, ચીન, રશિયા અને અમેરિકા વચ્ચે 1968માં પરમાણુ અપ્રસાર સંધિ થઈ હતી.
પાંચ દાયકા પહેલાં થઈ હતી સંધિ
રશિયા, ચીન અને અમેરિકા વચ્ચે લગભગ પાંચ દાયકા પહેલાં 1968માં પરમાણુ અપ્રસાર સંધિ થઈ હતી. જેનો ઉદ્દેશ પરમાણુ હથિયારનો પ્રસાર રોકવા, તેના નિઃશસ્ત્રીકરણને પ્રોત્સાહન આપવા તેમજ પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ સંધિ હેઠળ દર પાંચ વર્ષે ત્રણેય દેશ વચ્ચે રિવ્યૂ કોન્ફરન્સ થાય છે. જે 2025માં થવાની સંભાવના હતી. પરંતુ ચીને તેમાં ભાગ લેવાની ના પડતાં આ કોન્ફરન્સની અટકળો પર પૂર્ણ વિરામ મૂકાયો છે.
ત્રણેય દેશો વચ્ચે તણાવ વધ્યો
રશિયા અને અમેરિકા વચ્ચે તણાવનો માહોલ છે, 5 ઓગસ્ટ, 2025ના રોજ રશિયા એક જાહેરાતના માધ્યમથી વર્ષ 1987થી લાગુ ઈન્ટરમીડિએટ રેન્જ ન્યૂક્લિયર ફોર્સિસ સંધિમાંથી બહાર થયુ હતું. આ સંધિ હેઠળ 500થી 5500 કિમી રેન્જ ધરાવતી મિસાઈલ બોર્ડર એરિયામાં તૈનાત કરવા પર રોક હતી. અમેરિકાએ યુક્રેન સાથે યુદ્ધ રોકવા રશિયા પર ટેરિફ સહિત અનેક આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા. જેથી રશિયાએ આ સંધિમાંથી અલગ થવાનો નિર્ણય લીધો. બીજી બાજુ ચીન અને અમેરિકા વચ્ચે પણ ટેરિફ અને પરમાણુ વિસ્તાર મામલે તણાવ સર્જાયો છે. 2024માં સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના રિપોર્ટમાં દર્શાવ્યું હતું કે, ચીન પરમાણુ હથિયારના ઉત્પાદન વધારી રહ્યું છે. જાન્યુઆરી, 2023માં ચીન પાસે 410 પરમાણુ હથિયાર હતા, જે 2024માં વધી 500 થયા છે. ચીને ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ પર પણ ફોકસ વધાર્યું છે.
અમેરિકાની બદલાયેલી વ્યૂહનીતિ પણ જવાબદાર
અમેરિકાએ પરમાણુ ક્ષેત્રે પોતાની વ્યૂહનીતિમાં અનેક ફેરફાર પણ ત્રણેય દેશો વચ્ચેના તણાવનું એક કારણ છે. અમેરિકાએ 2024માં ન્યૂક્લિયર એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સમાં ફેરફાર કર્યા હતા. જે હેઠળ રશિયા, ચીન અને નોર્થ કોરિયા સાથે સંભવિત પરમાણુ યુદ્ધ પર વિશેષ નિર્દેશ આપ્યા હતા. યુદ્ધની તૈયારી કરવા પણ આદેશ આપ્યો હતો. ચીનના વધતા પરમાણુ કાર્યક્રમથી અમેરિકા ચિંતિંત છે. વધુમાં ચીન અને રશિયા વચ્ચે ભાગીદારી વધી રહી છે. જે અમેરિકાને ખૂંચી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચીન અને રશિયાએ પોતાની સેના અને પડોશી દેશ સાથે વેપાર સંબંધો મજબૂત બનાવ્યા છે. જુલાઈ, 2025માં જાપાનના સમુદ્રમાં ત્રણેય દેશોની જોઈન્ટ નેવી પ્રેક્ટિસ પણ થઈ હતી. જેનાથી અમેરિકાની ચિંતા વધી છે.