રાતા સમુદ્રમાં બ્રિટિશ જહાજ પર હુમલો, રૉકેટ ઝિંકાયા, યમનના દરિયાકાંઠા પાસે બની ઘટના
British Ship Attacked In Red Sea : પશ્ચિમ એશિયામાં ફરી સંકટના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ હુથિ આતંકવાદીઓએ રવિવારે (6 જુલાઈ) રાતા સમુદ્રમાં બ્રિટિશ જહાજ પર હુમલો થયો છે. જહાજ યમનાના દરિયાકાંઠા પાસેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે કેટલાક હથિયારધારી લોકોએ હુમલો કર્યો છે. હથિયારધારીઓએ રૉકેટથી પણ હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. જહાજ પર હાજર સુરક્ષા દળના જવાનોએ પણ વળતી કાર્યવાહી કરી દીધી છે અને હુમલાનો યોગ્ય જવાબ આપી રહ્યા છે. યુકે મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, ‘હાલ બંને વચ્ચે અથડામણ ચાલી રહી છે. જોકે અત્યાર સુધી હુમલા અંગે કોઈ ગ્રૂપે જવાબદારી સ્વિકારી નથી.
રૉકેટથી જહાજ પર હુમલો
રિપોર્ટ મુજબ બંદૂકધારીઓ નાની હોડી પર સવાર થઈને હુમલો કરવા આવ્યા હતા. તેઓએ હુમલામાં રૉકેટ-સંચાલીત ગ્રેનેડ અને નાના હથિયારોનો ઉપયોગ કરી હુમલો કર્યો હતો. UKMTOએ કહ્યું કે, ‘યમનના હોદેઈદા બંદરથી આશરે 51 નોટિકલ માઇલ (94 કિમી) દક્ષિણપશ્ચિમમાં ઘટના બની હતી. ઉત્તર તરફ જઈ રહેલા જહાજ પર અનેક સ્કિફ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલાખોરોનો આડેધડ ગોળીબાર
યુકે સ્થિત દરિયાઈ સુરક્ષા કંપની એમ્બ્રેએ અહેવાલ આપ્યો છે કે જહાજ પર આઠ હુમલાખોરો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. સતત હુમલો છતાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ગંભીર નુકસાન થયું નથી. કોઈ પણ જૂથે જવાબદારી સ્વીકારી નથી, પરંતુ આ વિસ્તાર યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોના નિયંત્રણ હેઠળ છે, જેઓ નવેમ્બર 2023થી લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધ બાદ શરૂ થયેલા તેમના અભિયાનમાં શરૂઆતમાં ઈઝરાયલ સાથે જોડાયેલા જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને બાદમાં આ વર્ષની શરૂઆતમાં યમનમાં હવાઈ હુમલા થયા બાદ અમેરિકા અને યુકે સાથે સંકળાયેલા જહાજોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : કર્ણાટકની ડરામણી ઘટના: ધર્મસ્થળમાં યુવતિ પર દુષ્કર્મ, અનેક લાશો દાટી, સફાઈ કર્મીનો દાવો, સુપ્રીમ કોર્ટના વકીલને આપી કોપી