Get The App

ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, 8 આતંકી કેમ્પ રડાર પર: આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
Army Chief Upendra Dwivedi


(IMAGE - IANS)

Army Chief Upendra Dwivedi: ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 15 જાન્યુઆરી 'આર્મી ડે' પહેલાં યોજાયેલી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અને ચીન સહિત દેશની આંતરિક સુરક્ષા પર મહત્ત્વના નિવેદનો આપ્યા છે. 13 જાન્યુઆરીના રોજ માણેકશો સેન્ટર ખાતે આયોજિત આ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ઇન્ટરનેશનલ બોર્ડર(IB) અને લાઇન ઑફ કંટ્રોલ(LC) પર હાલમાં 8 જેટલા આતંકી કેમ્પ સક્રિય છે. સેના આ કેમ્પોની દરેક હિલચાલ પર નજર રાખી રહી છે અને જો પાકિસ્તાન કોઈ પણ ભૂલ કરશે તો ભારત તરફથી ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનને ચેતવણી 

જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, 'પહલગામ હુમલા બાદ માત્ર 22 મિનિટમાં 'ઓપરેશન રીસેટ' વ્યૂહરચના હેઠળ વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો. હાલમાં 'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ છે. પાકિસ્તાનની પરમાણુ ધમકીઓની અસર હવે ભારત-ચીન સરહદ પર બેઅસર થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ હાલ સંવેદનશીલ હોવા છતાં સંપૂર્ણપણે ભારતીય સેનાના નિયંત્રણમાં છે.'

ઉત્તરી સરહદ અને મણિપુરની સ્થિતિ 

ચીન સાથેની ઉત્તરી સરહદ અંગે આર્મી ચીફે સકારાત્મક સંકેત આપતાં કહ્યું કે, 'ઉચ્ચ સ્તરીય વાટાઘાટોને કારણે સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે. સરહદ પર સ્થિતિ સ્થિર છે, પરંતુ સેના સતત સતર્ક છે. તેમજ મણિપુરમાં સુરક્ષા દળો અને સરકારના સંકલિત પ્રયાસોને કારણે શાંતિ સ્થપાઈ રહી છે. આ ઉપરાંત, મ્યાનમારમાં ચૂંટણી બાદ બંને દેશોની સેનાઓ વચ્ચે સહયોગ વધવાની આશા છે.'

આ પણ વાંચો: વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10 ટકા સેલેરી કપાશે! આ રાજ્યમાં સરકારનો કડક આદેશ

આધુનિકીકરણ અને 2026નું લક્ષ્ય 

ભારતીય સેના હવે આધુનિક ટૅક્નોલૉજી તરફ ઝડપથી આગળ વધી રહી છે. જનરલ દ્વિવેદીએ જાહેરાત કરી કે સેના ટૂંક સમયમાં અદ્યતન બ્રહ્મોસ મિસાઇલ, હાઇ-ટેક ડ્રોન અને લોટરિંગ મ્યુનિશન(હવામાં ઘૂમીને હુમલો કરતી મિસાઇલ) અપનાવશે. ખાસ વાત એ છે કે સેનાનો 90 ટકાથી વધુ દારૂગોળો હવે સ્વદેશી છે. સેનાએ વર્ષ 2026ને 'નેટવર્કિંગ અને ડેટા સેન્ટ્રિસીટીનું વર્ષ' જાહેર કર્યું છે, જેનાથી યુદ્ધના મેદાનમાં રિયલ-ટાઇમ નિર્ણય લેવાની ક્ષમતા વધશે.

ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, 8 આતંકી કેમ્પ રડાર પર: આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી 2 - image