ભારત બાદ પાકિસ્તાન ગયા ચીનના વિદેશ મંત્રી, મુનીર-શાહબાજ સાથે કરી મુલાકાત, જાણો શું કરી ચર્ચા
China-Pakistan-Afghanistan Meeting : ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતની મુલાકાત કર્યા બાદ હવે પાકિસ્તાન પહોંચ્યા છે. તેમણે અહીં પાકિસ્તાની સેનાના પ્રમુખ આસિમ મુનીર અને વડાપ્રધાન શાહબાજ શરીફ સાથે મુલાકાત કરી છે. તેમણે મુનીર સાથે પ્રાદેશિક સુરક્ષા, આતંકવાદી વિરોધી અને પારસ્પરિક હિત મામલે ચર્ચા કરી છે. પાકિસ્તાને સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ચીને પાકિસ્તાનની સંપ્રભુતા અને વિકાસ માટે દૃઢ સમર્થન આપ્યું છે.
ચીનના વિદેશ મંત્રીએ શાહબાજ-ઝરદારી સાથે કરી મુલાકાત
ચીનના વિદેશ મંત્રી ભારતની મુલાકાત કર્યા બાદ અફઘાનિસ્તાન થઈને પાકિસ્તાન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઈસ્લામાબાદમાં વિદેશ મંત્રીઓની યોજાયેલી રાજદ્વારી બેઠકમાં ભાગ લીધો હતો અને અહીં શાહબાજ શરીફ અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે મુલાકાત કરી હતી.
વાંગ યી સાથે મુલાકાત બાદ મુનીરે શું કહ્યું?
વાંગ યી સાથે મુલાકાત કર્યા બાદ આસિમ મુનીરે આજે (22 ઓગસ્ટ) કહ્યું કે, ‘ચીને પાકિસ્તાનની સાર્વભૌમતા અને વિકાસ માટે દ્રઢ સમર્થન વ્યક્ત કર્યું છે, કારણ કે બંને પક્ષો તેમની સદાબહાર વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા સંમત થયા છે.’ પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીર અને ચીનના વિદેશ મંત્રી વાંગ વચ્ચેની ચર્ચા પ્રાદેશિક સુરક્ષા, આતંકવાદ વિરોધી પગલાં અને પરસ્પર હિતના મુદ્દાઓ પર કેન્દ્રિત રહી હતી.
મુનીરે ચીનનો આભાર માન્યો
મુનીરે સમર્થન બદલ ચીનનો આભાર માન્યો છે. પાકિસ્તાની સેનાના પ્રમુખ આસિમ મુનીર ગત મહિને ચીન ગયા હતા અને અહીં તેમણે ઉપરાષ્ટ્રપતિ હાન જેંગ, વાંગ અને સૈન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જોકે તેમની રાષ્ટ્રપતિ શીન જિનપિંગ સાથે મુલાકાત થઈ ન હતી.
આ પણ વાંચો : હવે ટ્રમ્પની નજર 5.5 કરોડ વિઝાધારકો પર, માઈગ્રન્ટ્સને તગેડી દેવાના તમામ વિકલ્પ પર નજર
ચીન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનના વિદેશ મંત્રી વચ્ચે બેઠક
ચીનના વિદેશ મંત્રી અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર વચ્ચે ગુરુવારે મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર 2.0, વેપાર અને આર્થિક સંબંધો મુદ્દે વાતચીત થઈ હતી. વાંગે કાબુલમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે ત્રિપક્ષીય બેઠક પણ યોજી હતી, જેમાં સીપીઈસીને કાબુલ સુધી લંબાવવા અને અનેક સેક્ટરોમાં ભાગીદારી વધારવા સંમત થઈ હતી.