Get The App

જાપાન અને ચીન વચ્ચે તણાવ વધ્યો! તાઇવાન મુદ્દે જાપાનીઝ PMના નિવેદન બાદ બંને દેશો સામસામે

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
China Japan Tension


China Japan Tension: એશિયામાં ચીન અને જાપાન વચ્ચેનો તણાવ ખૂબ જ તીવ્ર બન્યો છે. આ તણાવનું મૂળ કારણ જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઇચીનું નિવેદન છે, જેમાં તેમણે ચેતવણી આપી હતી કે જો ચીન તાઇવાન સામે સૈન્ય કાર્યવાહી કરે અથવા તો નાકાબંધી કરે, તો જાપાને પ્રતિક્રિયા આપવાની ફરજ પડશે. ચીને આ નિવેદનને સીધો પડકાર ગણીને અત્યંત આક્રમક પ્રતિક્રિયા આપી છે.

વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ચીનના ઓસાકા કાઉન્સલ જનરલ શુએ જિયાનએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન તાકાઇચી વિરુદ્ધ હિંસક શબ્દો વાપર્યા. તેમણે તો ત્યાં સુધી લખ્યું કે તાકાઇચીનું 'ગંદુ માથું કાપી નાખવું જોઈએ.' જોકે આ પોસ્ટ પાછળથી હટાવી દેવામાં આવી, તેમ છતાં આ નિવેદને બંને દેશો વચ્ચેની સ્થિતિને વધુ ભડકાવી દીધી.

તાઇવાન મુદ્દે ચીનની ધમકી

આર્થિક પ્રતિશોધ ઉપરાંત, ચીને જાપાનને ખુલ્લી ધમકી આપી છે કે જો તે તાઇવાન સાથેના ચીનના એકીકરણના પ્રયાસમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે, તો તેને હારનો સામનો કરવો પડશે.

આ ધમકી બાદ, ચીને જાપાનની મુસાફરી માટે સેફ્ટી એડવાઇઝરી પણ બહાર પાડી. તેણે તેના નાગરિકોને જાપાન ન જવાની સલાહ આપી, કારણ કે ત્યાં ગંભીર સુરક્ષા જોખમો છે. આ ચેતવણીની જાપાનની અર્થવ્યવસ્થા પર ઝડપી અસર થઈ. તેના પરિણામે, પર્યટન અને રિટેલ ક્ષેત્રની કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો. દર વર્ષે આશરે 75 લાખ ચીની પ્રવાસીઓ જાપાનની મુલાકાત લેતા હોવાથી, ચીનની આ ચેતવણી ટોક્યો માટે એક મોટો આર્થિક આંચકો સાબિત થઈ છે.

જાપાન નિયંત્રિત ટાપુ પર ચીનનો દાવો

તેમજ તણાવ માત્ર વાતચીત અને નિવેદનો સુધી જ સીમિત ન રહ્યો. ચીને વિવાદિત દીઆઓ-સેનકાકુ ટાપુઓ નજીક પોતાના ચાર હથિયારબંધ કોસ્ટ ગાર્ડ જહાજો મોકલીને પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી. આ ટાપુઓ પર નિયંત્રણ જાપાનનું છે, જોકે ચીન તેને પોતાનો પ્રદેશ માને છે.

આ પણ વાંચો: શેખ હસીનાને ફાંસીની સજાના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં અંધાધૂંધી! આખી રાત સળગતો રહ્યો દેશ, ઠેર ઠેર આગચંપી

જાપાનની અર્થવ્યવસ્થા દબાણ હેઠળ

જાપાને પરિસ્થિતિને હળવી કરવાના પ્રયાસો શરુ કર્યા છે. આ માટે, જાપાનના વિદેશ મંત્રાલયના અધિકારી મસાઆકી કનાઈ બેઇજિંગ ગયા છે. તેઓ ચીનને ખાતરી આપી રહ્યા છે કે જાપાનની સુરક્ષા નીતિમાં કોઈ બદલાવ આવ્યો નથી અને વડાપ્રધાન તાકાઇચીનું નિવેદન યુદ્ધની ચેતવણી નહોતું.

જોકે, ચીનનું વલણ સખત રહ્યું છે. બેઇજિંગ તાઇવાનને પોતાનો હિસ્સો ગણે છે અને સ્પષ્ટતા કરી છે કે જો જરૂર પડશે, તો તે બળનો ઉપયોગ કરવાથી અચકાશે નહીં. બીજી તરફ, જાપાનની અર્થવ્યવસ્થા પહેલેથી જ દબાણ હેઠળ છે, કારણ કે ત્રીજા ક્વાર્ટરમાં તેના જીડીપીમાં ઘટાડો નોંધાયો છે. આવી નાજુક સ્થિતિમાં, ચીનની સતત ધમકીઓ ટોક્યો માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

જાપાન અને ચીન વચ્ચે તણાવ વધ્યો! તાઇવાન મુદ્દે જાપાનીઝ PMના નિવેદન બાદ બંને દેશો સામસામે 2 - image

Tags :