Get The App

શેખ હસીનાને ફાંસીની સજાના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં અંધાધૂંધી! આખી રાત સળગતો રહ્યો દેશ, ઠેર ઠેર આગચંપી

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
Bangladesh Violence
(FILE PHOTO)

Bangladesh Sheikh Hasina: પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશની 'કંગારૂ કોર્ટ' દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવાયા બાદ દેશમાં હિંસા ફાટી નીકળી છે, જેના કારણે રાતભર તણાવપૂર્ણ સ્થિતિ રહી. હિંસામાં અત્યાર સુધીમાં બેનાં મોત અને ડઝનબંધ ઘાયલ થયા છે. આ ઉપરાંત, શેખ હસીનાને મોતની સજા સંભળાવ્યા બાદ કેટલાક લોકો મીઠાઈ વહેંચી રહ્યા હતા, ત્યારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ લડાઈમાં એક વ્યક્તિનું મોત થયું અને ઘણા લોકો ઘાયલ થયા.

બોમ્બ ધમાકા અને પોલીસ પર હુમલો

દેશભરમાં તંગદિલીભરી સ્થિતિ પ્રવર્તી રહી છે. કોટલીપારામાં બોમ્બ ધમાકો થતાં ત્રણ પોલીસ જવાનો ઘાયલ થયા હતા. સોમવારના રોજ સુરક્ષા એજન્સીઓએ, પદભ્રષ્ટ વડાંપ્રધાન શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર્રહમાનના રાજધાનીમાં આવેલા ઘરને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ દરમિયાન, પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસ છોડવા પડ્યા હતા. અહેવાલ મુજબ, લાઠીચાર્જ અને પથ્થરમારાની અથડામણોમાં ઘણા પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.

માનવતા વિરુદ્ધના ગુના મૃત્યુદંડની સજા સંભળાવી 

શેખ હસીના પર 2024માં થયેલા છાત્રોના આંદોલન પર ઘાતક કાર્યવાહી કરવાનો આરોપ છે. જોકે, હસીનાએ આ કેસને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યો છે. ઑગસ્ટ 2024માં બાંગ્લાદેશથી ભાગ્યા બાદ તેઓ દિલ્હીમાં નિર્વાસનમાં રહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 15 જુલાઈથી 5 ઑગસ્ટ વચ્ચે થયેલા સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, 1400 લોકો માર્યા ગયા હતા. આ હિંસાને 1971ના સ્વતંત્રતા સંગ્રામ બાદની સૌથી ભીષણ રાજકીય હિંસા માનવામાં આવે છે, જેણે બાંગ્લાદેશના ટેક્સટાઇલ ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

સોમવારે શેખ હસીનાને ગયા વર્ષે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો પર તેમની સરકારની કથિત 'ક્રૂર' કાર્યવાહી માટે 'માનવતા વિરુદ્ધના ગુના'ના એક વિશેષ કોર્ટે તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી.

ઢાકામાં તણાવ અને ધાંધલ-ધમાલ

ચુકાદો સંભળાવતા પહેલા જ, પ્રદર્શનકારીઓના એક મોટા જૂથે બે બુલડોઝરને ધાનમંડી 32 તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં શેખ મુજીબુર્રહમાનનું ઘર આવેલું છે. સુરક્ષાકર્મીઓએ તેમને અટકાવ્યા અને લાઠીચાર્જ કરીને પ્રદર્શનકારીઓને વિખેર્યા. ધાનમંડીમાં સ્થિતિ તણાવપૂર્ણ બની રહી છે.

પોલીસે પરિસરની સામે બેરિકેડ્સ લગાવી દીધા છે અને હાલમાં કોઈને પણ અંદર જવાની મંજૂરી નથી. પોલીસના એક અધિકારીએ કહ્યું કે, 'અમે કોઈપણ સંજોગોમાં કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાની છૂટ નહીં આપીએ.'

આ પણ વાંચો: ગાઝા માટે ટ્રમ્પના પ્રસ્તાવને UNSCની મંજૂરી: આંતરરાષ્ટ્રીય સેના મેદાનમાં આવશે, શાંતિ બોર્ડ લેશે મોટા નિર્ણય

બરીસાલમાં હિંસા અને મોત

બાંગ્લાદેશના બરીસાલમાં શેખ હસીનાને મોતની સજા સંભળાવ્યા બાદ મીઠાઈ વહેંચતી વખતે હિંસા ફાટી નીકળી હતી. ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું. ઢાકાના પલાબી વિસ્તારમાં જુબો દળના એક નેતાની અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી દીધી હતી. ગોપાલગંજ જિલ્લાના કોટલીપારા પોલીસ સ્ટેશનમાં રાત્રે થયેલા એક દેશી બોમ્બ વિસ્ફોટમાં ત્રણ પોલીસ અધિકારી ઘાયલ થયા હતા. અવામી લીગ દ્વારા બંધનું એલાન અને મીડિયાને આદેશ બાંગ્લાદેશમાં અવામી લીગે મંગળવારે પણ બંધનું એલાન આપ્યું છે, જેને ધ્યાનમાં રાખીને દેશભરમાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.

દરમિયાન, યુનુસ સરકારની સાયબર એજન્સીએ મીડિયાને આકરા શબ્દોમાં સૂચના આપી છે કે તેઓ સજા પામેલા અને ગુનેગાર જાહેર કરાયેલા શેખ હસીનાના નિવેદનોનું પ્રસારણ ન કરે. એજન્સીએ કહ્યું કે તેમના નિવેદનો હિંસા, અરાજકતા અને ગુનાહિત પ્રવૃત્તિઓને ઉશ્કેરી શકે છે.

શેખ હસીનાને ફાંસીની સજાના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં અંધાધૂંધી! આખી રાત સળગતો રહ્યો દેશ, ઠેર ઠેર આગચંપી 2 - image

Tags :