ચીનની ધમકી : તિબેટ મુદ્દાથી દૂર રહે ભારત , નહીંતર ભોગવવુ પડશે નુકસાન
બીજિંગ, તા. 07 જુલાઈ 2020 મંગળવાર
ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા અખબાર ગ્લોબલ ટાઈમ્સે એક વાર ફરી ભારતને ધમકી આપી છે. આ અખબારને ચીનની સરકારનું મુખપત્ર પણ સમજી શકાય છે. અખબારે સંપાદકીય લેખમાં કહ્યુ છે કે ભારતીય મીડિયાના કેટલાક ભાગોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે કે ભારતે તિબ્બત કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ. અખબારે કહ્યુ કે આ માર્ગથી ભટકાઈ ગયેલો અને અવ્યવસ્થિત વિચાર છે.
'પ્રસ્તાવિત તિબેટ કાર્ડ ભારતીય ઈકોનૉમી માટે નુકસાનદાયક' શીર્ષક સાથે લખેલા લેખમાં અખબારે કહ્યુ છે કે ભારતમાં કેટલાક લોકોનુ એ વિચારવુ છે કે ચીન સાથે તણાવ દરમિયાન તિબેટ કાર્ડથી ફાયદો થઈ શકે છે. આ વિચાર એક ભ્રમ છે. અખબારે લખ્યુ છે કે તિબેટ ચીનનો આંતરિક મુદ્દો છે અને આ મુદ્દાને સ્પર્શવો જોઈએ નહીં.
ગ્લોબલ ટાઈમ્સે તિબેટની પ્રગતિ વિશે પણ લખ્યુ છે. દાવો કર્યો છે કે તાજેતરમાં જ કેટલાક વર્ષમાં તિબેટ સ્વાયત્ત ક્ષેત્રે તુલનાત્મક રીતે વધારે ઝડપથી વિકાસ થયો છે.
ગ્લોબલ ટાઈમ્સે કહ્યુ છે કે તિબેટ ક્ષેત્રમાં સ્થિર સામાજિક વાતાવરણ તૈયાર કરવા માટે ઝડપી વિકાસ એક સારી બુનિયાદ છે. ચીનના અંગ્રેજી અખબારે કહ્યુ છે કે તથાકથિત તિબેટ કાર્ડ માત્ર કેટલાક ભારતીયોની કલ્પનાની ઉપજ છે અને વાસ્તવિકતામાં આનુ મહત્વ નથી.
ચીને એ પણ દાવો કર્યો છે કે 2019માં તિબેટનો જીડીપી 8.1 ટકાની ઝડપથી વધ્યો. તિબેટ ક્ષેત્રએ 71 દેશોની સાથે વ્યાપારિક સંબંધ પણ બનાવ્યા. નેપાળની સાથે તિબેટનો વેપાર 26.7 ટકા વધ્યો.
ગ્લોબલ ટાઈમ્સે લખ્યુ છે કે ચીન વિરોધી કેટલીક તાકાત તિબેટ મુદ્દાનો ઉપયોગ કરીને ચીનની વન ચાઈના પૉલિસી વિરૂદ્ધ ઉશ્કેરણી પેદા કરવાનુ કામ કરે છે પરંતુ સત્ય આવા શબ્દો કરતા વધારે અસરદાર છે.
ચીને કહ્યુ છે કે તિબેટની ઈકોનૉમી ઝડપથી વધશે તો સમાજમાં સ્થિરતા આવશે. આનાથી ચીન અને ભારતનો વ્યાપારિક સંબંધ પણ શ્રેષ્ઠ હશે. ચીને કહ્યુ કે આશા કરીએ છીએ કે ભારત તે રાજ્યોમાં આર્થિક સ્થિતિ શ્રેષ્ઠ કરવા માટે વધુ પ્રયત્ન કરશે જે તિબેટ વિસ્તારોની આસપાસ છે.