ચીનની વધુ એક અવળચંડાઈ આવી સામે! ડ્રેગન ત્રણ વર્ષથી ભારતને નથી આપી રહ્યું નદીઓના કોઈપણ ડેટા

China Halts River Data to India: પહલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે પાકિસ્તાન સાથેની 6 દાયકા જૂની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે, આ સાથે જ હવે બંને દેશો વચ્ચે નદીઓ સંબંધિત કોઇપણ ડેટા શેર કરવામાં નહિ આવે. એવામાં એક મીડિયા એજન્સી દ્વારા RTI દાખલ કરીને ભારત અને ચીન વચ્ચે થયેલા હાઇડ્રોલોજિકલ પ્રોજેક્ટ અંગેનો ડેટા માંગવામાં આવ્યો છે.
ચીને ભારતનો ડેટા રોકી દીધો
જળ શક્તિ મંત્રાલયે RTI માં ખુલાસો કર્યો હતો કે 2022 થી ચીન તરફથી કરાર થયો હોવા છતાં કોઈ જ હાઇડ્રોલોજિકલ ડેટા કે હાઇડ્રો સ્ટ્રક્ચર શેર કરવામાં આવ્યો નથી, તેમજ બ્રહ્મપુત્ર અને સતલજ પરના એમઓયુ અનુક્રમે 2023 અને 2020 માં સમાપ્ત થઈ ગયા છે.
સરહદ પારની નદીઓનો ડેટા ભારત માટે મહત્ત્વપૂર્ણ
ભારતની જળ સુરક્ષા અને માળખાગત વિકાસ માટે, ખાસ કરીને બ્રહ્મપુત્રા અને સતલજ જેવી સરહદ પારની નદીઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ નદીઓનો ડેટા ભારતના પૂરની આગાહી, ચેતવણી સિસ્ટમ, બંધ અને પુલ જેવી માળખાગત સુવિધાઓનું આયોજન અને સંચાલન માટે મહત્ત્વપૂર્ણ છે.
MoU રિન્યુ કરવામાં આવ્યો નથી
આ RTIમાં સતલજ અને બ્રહ્મપુત્રા નદીઓ માટે હાઇડ્રોલોજિકલ ડેટા શેર કરવા અંગે ભારત અને ચીન વચ્ચે થયેલા એમઓયુ અંગે પણ પૂછવામાં આવ્યું હતુ, જેના જવાબમાં જળ શક્તિ મંત્રાલયે જણાવ્યું હતું કે, બ્રહ્મપુત્રા નદી પર કરાર મૂળ 2002 માં હસ્તાક્ષરિત થયો હતો અને 2008 માં સમાપ્ત થયો હતો. સતલજ નદી પર MoU 2005 માં હસ્તાક્ષરિત થયો હતો અને 2010 માં સમાપ્ત થયો હતો.
આ પણ વાંચો: ખરીફ પાક પર MSP નક્કી, વ્યાજ સહાય યોજનાનું પણ એલાન, કેબિનેટ બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણય
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે બ્રહ્મપુત્રા નદી પર કરાર 2008, 2013 અને 2018 માં રિન્યૂ કરવામાં આવ્યો હતો, જ્યારે સતલજ નદી પર MoU 2010 અને 2015 માં રિન્યૂ કરવામાં આવ્યો હતો. આ MoUs ને રિન્યૂ ન કરવાના કારણો વિશે પૂછવામાં આવતા, મંત્રાલયે વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ સંદર્ભમાં માહિતી RTI કાયદા, 2005 ની કલમ 10(1) હેઠળ આપી શકાતી નથી.

