એશિયામાં નવા યુદ્ધના ભણકારા! ચીને તાઈવાન નજીક 58 ફાઈટર જેટ તહેનાત કરતાં ટેન્શન
Representative image |
China-Taiwan Tensions: અમેરિકા અને ચીન ટેરિફને લઈને આમને-સામને છે. તો બીજી તરફ ચીન તાઈવાનની મુશ્કેલી વધારી રહ્યું છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે (17મી જુલાઈ) જણાવ્યું હતું કે, 'અમારા દેશની આસપાસ હવાઈ ક્ષેત્રમાં 58 ચીની ફાઇટર જેટ અને નવ ચીની નૌકાદળના જહાજો જોવા મળ્યા છે. આમાંથી 45 વિમાનો મધ્ય રેખા પાર કરીને તાઈવાનના ઉત્તરી, મધ્ય, દક્ષિણપશ્ચિમ અને પૂર્વીય ADIZ (એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન)માં પ્રવેશ્યા હતા.'
ફ્રાન્સે પણ ચીનની કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યાનુસાર, 'ચીની વિમાનો અને નૌકાદળના જહાજોની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.' અગાઉ બુધવારે (16મી જુલાઈ) તાઈવાનને 38 ચીની વિમાનો મળ્યા હતા, જેમાંથી 28 મધ્ય રેખા પાર કરીને તાઇવાનના મધ્ય અને દક્ષિણપશ્ચિમ ADIZમાં પ્રવેશ્યા હતા. નોંધનીય છે કે, ફ્રાન્સે પણ તેની 2025ની રાષ્ટ્રીય વ્યૂહનીતિ સમીક્ષામાં ચીનની લશ્કરી પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાઈવાનની આસપાસ ચીનની લશ્કરી પ્રવૃત્તિઓ વધારી રહી છે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે સામૂહિક ડિપોર્ટેશનની કવાયતમાં નડતર રૂપ 17 જજોને કારણ વગર કાઢી મૂક્યા
તાઇવાનમાં ચાલી રહેલા લશ્કરી કવાયતથી ચીન ગુસ્સે!
તાઈવાનએ 10 દિવસની લશ્કરી કવાયત શરૂ કરી છે. તાઈપેઈના એરપોર્ટ નજીક હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ્સ (HIMARS) અને પેટ્રિએટ જેવી મિસાઈલ સિસ્ટમ તહેનાત કરવામાં આવી છે. ચીન દ્વારા સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને આ સંરક્ષણ પ્રણાલીઓ તહેનાત કરવામાં આવી છે.
અહેવાલ અનુસાર, તાઈવાનની વાયુસેનાએ શુક્રવારે સોંગશાન એરપોર્ટની પૂર્વમાં એક નદી પાસે પેટ્રિએટ મિસાઈલ સિસ્ટમ પણ તહેનાત કરી હતી. ચીન તાઈવાનની આ કાર્યવાહીથી ખૂબ જ ગુસ્સે છે.