Get The App

ડોનાલ્ડ ટ્રમ્પે સામૂહિક ડિપોર્ટેશનની કવાયતમાં નડતર રૂપ 17 જજોને કારણ વગર કાઢી મૂક્યા

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
ડોનાલ્ડ ટ્રમ્પે સામૂહિક ડિપોર્ટેશનની કવાયતમાં નડતર રૂપ 17 જજોને કારણ વગર કાઢી મૂક્યા 1 - image


Donald Trump News : ટ્રમ્પ વહીવટીતંત્રે દેશમાં મોટાપાયે ડિપોર્ટેશનની કવાયત શરુ કરી છે. તેની આ કવાયતમાં તેને નડતર રૂપ ઇમિગ્રેશન કોર્ટના જજો છે. તેથી આવા જજોની પણ હકાલપટ્ટી કરવા માંડી છે. ટ્રમ્પે તાજેતરમાં આવા 17 જજની હકાલપટ્ટી કરી નાખી છે, જેથી ડિપોર્ટેશનની પ્રક્રિયા વધુ ઝડપી બને. ટ્રમ્પે શુક્રવારે 15 અને સોમવારે બે જજને કોઈપણ કારણ દર્શાવ્યા વગર કાઢી મૂક્યા હતા. 

ઇમિગ્રેશન જજીસ સહિત અન્ય પ્રોફેશનલ્સનું પ્રતિનિધિત્વ કરતાં ધ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ પ્રોફેશનલ એન્ડ ટેકનિકલ એન્જિનિયર્સે જણાવ્યું હતું કે નવી યાદી મુજબ 15 જજને શુક્રવારે કોઈપણ કારણ વગર કાઢી મૂકવામાં આવ્યા હતા. જ્યારે બીજા બેને સોમવારે કાઢવામાં આવ્યા હતા. યુનિયને જણાવ્યું હતું કે તેઓ સમગ્ર દેશમાં કેલિફોર્નિયા, ઇલિનોઇસ, લુઇસિયાના, મેરીલેન્ડ મેસેચ્યુસેટ્સ, ન્યૂયોર્ક, ઓહિયો, ટેક્સા, ઉટાહ અને વર્જિનિયા એમ દેશની દસ કોર્ટમાં કામ ચાલી રહ્યું છે.

યુનિયનના પ્રમુખ મેટ બિગ્સે જણાવ્યું હતું કે એકબાજુએ અમેરિકન કોંગ્રેસે 800 ઇમિગ્રેશન જજોની નિમણૂકને બહાલી આપી છે ત્યારે બીજી બાજુએ આ જજોની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે. આ એકદમ વિચાર્યા વગરનું કૃત્ય લાગે છે. તેથી તંત્ર ફાયરિંગ અટકાવે અને હાયરિંગ શરૂ કરે. ઉલ્લેખનીય છે કે હાલમા અમેરિકન કોર્ટો જ એકમાત્ર એવી છે જે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઇમિગ્રન્ટ્સની બેફામ રીતે થતી ધરપકડો અને ડિપોર્ટેશન સામે રક્ષણ પૂરુ પાડી રહી છે. આના પગલે હવે ટ્રમ્પે હવે ડિપોર્ટેશનમાં નડી રહેલા જજોને જ કોર્ટમાંથી ડિપોર્ટ કરવા માંડયા છે. 

ન્યાય વિભાગમાં કોર્ટમાં ઇમિગ્રેશનની કામગીરીની સમીક્ષા કરતી એક્ઝિક્યુટિવ ઓફિસ ઓફ ઇમિગ્રેશન રિવ્યુની પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની ઓફિસ આ હકાલપટ્ટીના મુદ્દે કોઈ ટિપ્પણી નહીં કરે. હવે ઇમિગ્રેશનના જજો પાસે તાજેતરમાં જ 35 લાખ કેસોનો બેકલોગ છે ત્યારે આ પ્રકારનો નિર્ણય ટ્રમ્પ તંત્રના મનસ્વી અભિગમનું પ્રતિબિંબ પાડે છે. ટ્રમ્પે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી 103 જજોની હકાલપટ્ટી કરવામાં આવી છે ક્યાં તો તેમણે જાતે રાજીનામુ આપ્યું છે. 

Tags :