ચીનના વુહાન પ્રાંતમાં ખરેખર શું બન્યું હતું ?
-ટોચના ડૉક્ટરે ચીનની બદમાશીની વિગતો જાહેર કરી
-બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારી વાત કરી
નવી દિલ્હી તા.28 જુલાઇ 2020, મંગળવાર
ચીનના એક ટોચના ડૉક્ટરે કોરોના વાઇરસ અંગે બહુ મોટો આક્ષેપ કર્યો હતો. બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ડૉક્ટર પ્રોફેસર ક્વોક યુંગ યુએને કહ્યુ કે કોરોના વાઇરસ શરૂ થયો ત્યારે સ્થાનિક અધિકારીઓએ એ વાત દબાવી દીધી હતી જેથી કોરોના દ્વારા થનારી બીમારીની વાત જાહેર ન થાય.
વુહાનમાં કોરોના શરૂ થયાના આરંભના દિવસોમાં કોરોનાની તપાસ કરનારા આ ડૉક્ટરે વધુમાં કહ્યું કે કોરોના થયો હોવાની સાબિતી નષ્ટ કરવામાં આવી અને ક્લીનીકમાં તપાસ કરવાની ગતિ પણ ધીમી કરી નાખવામાં આવી. સંબંધિત સૌને એવી ચેતવણી આપવામાં આવી કે ખબરદાર, આ વિશે કોઇએ મોઢું ખોલવું નહીં. મોઢું ખોલશો તો પરિણામ સારું નહીં આવે. અમે હુઆનાનના સુપર માર્કેટમાં ગયા ત્યારે ત્યાં પહેલેથી બધું સાફ કરી દેવામાં આવ્યું હતું. તમે એમ કહી શકો કે ક્રાઇમના સીનને અગાઉથી બદલી દેવામાં આવ્યો હતો. ત્યાં કશું મળ્યું નહોતું અને મળે પણ શી રીતે ? પહેલેથી બધું ખસેડી નાખવામાં આવ્યું હતું. ત્યાં એવી એક પણ ચીજ નહોતી જેના દ્વારા માણસોમાં વાઇરસ ફેલાયા હોવાનું કહી શકાય. મને તો એવો શક છે કે વુહાનમાં આ આખીય વાતને છૂપાવી દેવા માટે એ લોકોએ કંઇક રહસ્યમય કર્યું હતું.
ડૉક્ટર યુએને વધુમાં કહ્યું કે જે અધિકારીઓની જવાબદારી આ માહિતી આગળ પહોંચાડવાની હતી એ લોકોએ પોતાનું કામ પૂરેપૂરી નિષ્ઠાથી કર્યું નહીં.
અત્રે એ યાદ રહે કે અમેરિકા સહિત આખી દુનિયાએ ચીન પર એવો આક્ષેપ કર્યો તો કે ચીને કોરોનાને દુનિયાભરમાં ફેલાવા દીધો. એ વાત જુદી છે કે ચીને પોતે આવું કંઇ કર્યાનો ઇનકાર કર્યો હતો. દુનિયા આખીમાં અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા એક કરોડ 66 લાખની થઇ ચૂકી હતી અને છ લાખ 56 હજાર લોકો કોરોનાના કારણે મરણ પામ્યાં હતાં. એકલા અમેરિકામાં કોરોનાની બીમારીથી 44 લાખ લોકો હેરાન થયા હતા જ્યારે દોઢ લાખ લોકો મરણ પામ્યા હતા. અમેરિકા અને ચીનના સંબંધોમાં આથી કડવાશ ફેલાઇ ગઇ હતી. બંને એકમેકના રાજદૂતાવાસ બંધ કરાવી રહ્યા હતા. ડૉક્ટર યુને પોતાના જાનના જોખમે બીબીસીને આ ઇન્ટરવ્યૂ આપ્યો હતો.