| (IMAGE - IANS) |
China Blockade Drill near Taiwan: વર્ષ 2025ના અંતિમ દિવસોમાં એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી(PLA) દ્વારા તાઈવાનની આસપાસ હાથ ધરવામાં આવેલી 'બ્લોકેડ ડ્રીલ'(નાકાબંધીનો અભ્યાસ) મંગળવારે પણ ચાલુ રહી હતી. ચીને આ સૈન્ય કવાયતને 'જસ્ટિસ મિશન 2025' નામ આપીને વિશ્વભરની ચિંતામાં વધારો કર્યો છે.
સમુદ્ર અને આકાશમાં ચીની સેનાનો દબદબો
ચીનના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડ દ્વારા તાઈવાનના ઉત્તર અને દક્ષિણ ભાગમાં વિનાશક ફ્રિગેટ્સ, ફાઇટર જેટ્સ અને બોમ્બર્સ તૈનાત કરવામાં આવ્યા છે. ચીનનો મુખ્ય હેતુ તાઈવાનની સમુદ્રી નાકાબંધી કરવાની પોતાની શક્તિનું પરીક્ષણ કરવાનો છે. ચીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તે કોઈપણ 'બાહ્ય સશસ્ત્ર સમર્થન'(અમેરિકા તરફ ઇશારો)ને રોકવા માટે સક્ષમ છે.
લાઇવ ફાયરિંગથી ધ્રૂજી ઉઠ્યો તાઈવાન સ્ટ્રેટ
ચીની સેનાએ તાઈવાનના ઉત્તરીય જળ વિસ્તારમાં અત્યંત આક્રમક વલણ અપનાવતા લાંબા અંતરના લાઈવ-ફાયર એટલે કે જીવંત દારૂગોળો વરસાવીને પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કર્યું છે. આ ગંભીર સૈન્ય કવાયત દરમિયાન ચીનના અંદાજે 130 જેટલા વિમાનો અને 14 શક્તિશાળી યુદ્ધ જહાજો તાઈવાનની સરહદની આસપાસ જોવા મળ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.
આટલું જ નહીં, ચીનના 90થી વધુ લડાયક વિમાનોએ તાઈવાનની હવાઈ સરહદ(ADIZ)નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને તેની સંપ્રભુતાને પડકાર ફેંક્યો છે. આ તણાવપૂર્ણ સ્થિતિને પગલે ચીને તાઈવાન સ્ટ્રેટની આસપાસ 7 'ખતરનાક ક્ષેત્રો' જાહેર કર્યા છે, જેના કારણે માત્ર પ્રાદેશિક સુરક્ષા જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને નાગરિક ઉડ્ડયન માર્ગો પર પણ માઠી અસર પડી છે.
તાઈવાન પર કબજાની અંતિમ તૈયારી?
સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે કે ચીન હવે માત્ર ડરાવવા માટે નહીં, પણ વાસ્તવિક કબજા માટેની રિહર્સલ કરી રહ્યું છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યું છે કે, 'બીજિંગ તાઈવાનને ચીનથી અલગ કરવાના કોઈપણ પ્રયાસને રોકવા માટે તૈયાર છે અને દરેક ઉશ્કેરણીનો જવાબ આકરો આપવામાં આવશે.'
તાઈવાનનો વળતો પ્રહાર અને સંરક્ષણ મંત્રીનું નિવેદન
ચીનની આ હરકતો બાદ તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે પણ પોતાની દરિયાકાંઠાની મિસાઇલ સિસ્ટમ અને નૌકાદળને ઍલર્ટ પર મૂકી દીધું છે. તાઈવાનના સંરક્ષણ મંત્રી વેલિંગ્ટન કુએ કહ્યું કે, 'ચીનની આ કાર્યવાહી અત્યંત ઉશ્કેરણીજનક છે, જે પ્રાદેશિક સ્થિરતાને જોખમમાં મૂકે છે અને આંતરરાષ્ટ્રીય વેપાર તેમજ ઉડ્ડયન માર્ગો માટે મોટો ખતરો છે.'


