Drone Attack In Russia: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાનને નિશાન બનાવીને કરવામાં આવેલા ડ્રોન હુમલાના અહેવાલોએ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ ગંભીર ઘટના અંગે ભારતમાં પણ ચર્ચા શરુ થઈ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર શાંતિની અપીલ કરતાં સ્પષ્ટ કર્યું છે કે હિંસા કોઈ ઉકેલ નથી.
PM મોદીનો શાંતિ સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'રશિયાના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનને નિશાન બનાવવાના અહેવાલોથી હું ખૂબ જ ચિંતિત છું. દુશ્મનાવટનો અંત લાવવા અને શાંતિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ ચાલુ રાજદ્વારી પ્રયાસો જ છે. અમે તમામ સંબંધિતોને આ પ્રયાસો પર નજીકથી ધ્યાન આપવા અને કોઈપણ કાર્યવાહીથી દૂર રહેવાની અપીલ કરીએ છીએ.'
91 ડ્રોન દ્વારા એટેક કરવાનો પ્રયાસ
અહેવાલો અનુસાર, મોસ્કોના ઉત્તરમાં આવેલા નોવગોરોડ ક્ષેત્રમાં પુતિનના નિવાસસ્થાનને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રશિયાના મતે, યુક્રેન દ્વારા લાંબા અંતરના 91 ડ્રોને આ ક્ષેત્રમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
કોઈ જાનહાનિ નહીં
રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે પુષ્ટિ કરી છે કે 'રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ થયેલા આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે રશિયન સંરક્ષણ પ્રણાલીએ ડ્રોનને તોડી પાડ્યા હતા.'
વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે આ હુમલાને શાંતિ વાટાઘાટોને વિફળ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે, 'રશિયા યોગ્ય સમયે આ હુમલાનો જડબાતોડ બદલો લેશે. યુક્રેન અને તેના સાથી દેશો વાટાઘાટોમાં અવરોધ ઊભો કરી રહ્યા છે.' જો કે, રશિયા અમેરિકાના ભાવિ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ સાથે શાંતિ વાટાઘાટો ચાલુ રાખવા માટે તૈયાર છે.
વડાપ્રધાન મોદીએ જે રીતે સીધી દખલગીરી કરીને શાંતિની અપીલ કરી છે, તે દર્શાવે છે કે ભારત વૈશ્વિક સ્તરે યુદ્ધ રોકવા માટે મધ્યસ્થી તરીકે સક્રિય ભૂમિકા ભજવવા માંગે છે. પુતિનના નિવાસસ્થાન પર હુમલો એ યુદ્ધની તીવ્રતામાં વધારો કરનારી ઘટના માનવામાં આવે છે.


