ઈરાનથી ઓઇલ ખરીદવા માટે ચીનની એવી 'ચાલ' કે ટ્રમ્પની ધમકી કે પ્રતિબંધ તેનું કંઈ નથી બગાડી શકતા!

China Imports Crude From Iran: અમેરિકાએ ઈરાનના ક્રૂડ ઓઇલ મામલે તમામ પ્રકારના પ્રતિબંધ લાદ્યા છે. જે અનેક વર્ષોથી લાગુ છે. અમેરિકા ઈરાનનો ક્રૂડ બિઝનેસ સંપૂર્ણપણે બંધ કરવાની ફિરાકમાં છે. પરંતુ અમેરિકાની આ યુક્તિઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે. ચીન ઈરાનના ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ખરીદદાર તરીકે સ્થાન જાળવી રહ્યું છે. ડ્રેગને અમેરિકાના પ્રતિબંધો વચ્ચે પણ એક એવો માર્ગ શોધી કાઢ્યો છે કે, જેનાથી તે કોઈપણ રોક-ટોક વિના અબજો ડોલરના મૂલ્યનું ક્રૂડ ખરીદી રહ્યું છે.
યુએસ પ્રતિબંધ બાદ પણ ખરીદી ચાલુ
મીડિયા રિપોર્ટ અનુસાર, વર્ષ 2015માં ઈરાને JCPOA નામના પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં, અને ત્યારબાદ અમેરિકાએ થોડા સમય માટે ઈરાન પર લાગુ પ્રતિબંધો દૂર કર્યા હતાં. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં આ કરારમાંથી અમેરિકા બહાર નીકળ્યું હતું, અને ઈરાનની ક્રૂડ નિકાસ પર આકરા પ્રતિબંધો લાદ્યા હતા. જે હાલ પણ લાગુ છે. જો કે, ચીન પ્રતિબંધો વચ્ચે સતત ઈરાન પાસેથી ક્રૂડની આયાત કરી રહ્યું છે, આ પુરવઠા માટે તેણે એક ખાસ માર્ગ અપનાવ્યો છે.
ચીને અપનાવ્યો આ માર્ગ
ચીન અમેરિકાના પ્રતિબંધો વચ્ચે ક્રૂડની પરોક્ષ રીતે આયાત કરે છે. તે રોજિંદા આશરે 10 લાખ બેરલ ક્રૂડ આયાત કરે છે. ચીન આ ક્રૂડ મલેશિયા, ઓમાન જેવા દેશોમાંથી થતી ક્રૂડ આયાતમાં સામેલ કરે છે, જેથી તે અમેરિકાના પ્રતિબંધમાંથી છટકબારી કરી શકે. વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત એક લેખમાં ચીનની યુક્તિઓની પણ વિગતો આપવામાં આવી છે. આ બાબતથી પરિચિત અધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, બેઇજિંગ એક અનોખી સિસ્ટમનો ઉપયોગ કરે છે જેમાં તે ઈરાની ક્રૂડનું વિનિમય ચીન-નિર્મિત માળખામાં તબદીલ કરે છે, જેથી વૈશ્વિક બૅન્કિંગ પ્રણાલી પર પ્રતિબંધોની અસર ટાળી શકાય.
આ પણ વાંચોઃ ભારતીય કંપનીઓએ મોટી રાહત, જેનેરિક દવાઓ પર ટેરિફ નહીં લગાવે ટ્રમ્પ, જાણો યુ-ટર્નનું કારણ
આ મિકેનિઝમે અમેરિકાના બે બે મુખ્ય સ્પર્ધકો વચ્ચે આર્થિક સંબંધોને ગાઢ બનાવ્યા છે. સત્તાવાર અંદાજ મુજબ, ફક્ત 2024માં, આ યુક્તિ દ્વારા ઉત્પન્ન થતી ક્રૂડ આવકનો ઉપયોગ ઈરાનમાં ચીની પ્રોજેક્ટ્સને નાણાં પૂરા પાડવા માટે થઈ શકે છે, જે $8.4 અબજ જેટલી છે. આ ઈરાનની અંદાજિત $43 અબજ ક્રૂડ નિકાસનો એક ભાગ છે, જેમાંથી લગભગ 90% ચીનને ફાળે છે.
આવી રીતે કામ કરે છે ડ્રેગનની સિસ્ટમ
રિપોર્ટ અનુસાર, ચીન દ્વારા અપનાવવામાં આવેલી સિસ્ટમ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. આ સિસ્ટમની કામ કરાવની પ્રક્રિયા જોઈએ તો તેમાં ચીનની બે સંસ્થા સામેલ છે. જેમાં એક સિનોશ્યોર અને બીજું સરકારી એક્સપોર્ટ એન્ડ ક્રેડિટ ઇન્સ્યોરન્સ કંપની ચુક્સિન છે. જે નાણાકીય મધ્યસ્થી તરીકે કામ કરે છે. ઈરાનનું ક્રૂડ ચીનના એક ખરીદદારને વેચવામાં આવે છે. જે સરકારી માલિકીની ઝુહાઈ ઝેનરોંગ સાથે વેપાર કરે છે. તેનું સીધું પેમેન્ટ ઈરાનના બદલે ખરીદદાર કંપની ચુક્સિનમાં દરમહિને કરવામાં આવે છે. આ રકમ ઈરાનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર સાથે જોડાયેલા ચીનના બિલ્ડર્સને આપવામાં આવે છે. ત્યારબાદ સિનોશ્યોર આ પ્રોજેક્ટ પર ઇન્સ્યોરન્સ આપે છે. જેથી જોખમો હોવા છતાં આ સિસ્ટમ સુચારુઅ રૂપે ચાલતી રહે છે.
ચીન અને ઈરાન બંનેને ફાયદા
ઈરાનનું ક્રૂડ ઓઇલ ક્યારેય ચીનમાં જાહેરમાં પહોંચતું નથી. વેચનારાની ઓળખ છુપાવવા માટે ક્રૂડ ઓઇલ શિપમેન્ટ સામાન્ય રીતે દરિયામાં જહાજ-થી-જહાજ ટ્રાન્સફર કરી ચીની બંદરો સુધી પહોંચે તે પહેલા અન્ય દેશોના ક્રૂડ સાથે ભેળવવામાં આવે છે. આનાથી ચીનના કસ્ટમ એજન્ટોને ઈરાની આયાતની ઔપચારિક જાહેરાત કરવાથી નોંધપાત્ર ફાયદો થાય છે. આ ખરીદી પ્રતિબંધોથી નબળી પડેલી તેહરાનની અર્થવ્યવસ્થાને ટેકો આપે છે, જ્યારે ચીન ડિસ્કાઉન્ટેડ દરે ક્રૂડ ઓઇલ મેળવે છે. અહેવાલો સૂચવે છે કે ચીની કંપનીઓએ આ સોદા હેઠળ ઈરાનમાં ઍરપોર્ટથી લઈને રિફાઇનરીઓ સુધીના મોટા પ્રોજેક્ટ્સ બનાવ્યા છે અથવા તેમાં સુધારો કર્યો છે.