World

અફઘાનિસ્તાનમાં ઘૂસવાના સપના જોતાં ટ્રમ્પને ચીન-તાલિબાનની ધમકી, કહ્યું - હાજરી નહીં સ્વીકારીએ

By GS TEAM
20 Sep 20252 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવને ચીન અને તાલિબાને સખત રીતે ફગાવી દીધો છે. ટ્રમ્પે અફઘાનિસ્તાનના વ્યૂહાત્મક બગરામ એરબેઝને ફરીથી હસ્તગત કરવાની વાત કરી હતી. આ એરબેઝ, જે ચીનની સરહદની નજીક આવેલું છે, તેને અમેરિકાએ 2021માં અફઘાનિસ્તાનમાંથી ઉતાવળમાં પીછેહઠ કરતી વખતે ખાલી કરી દીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અફઘાનિસ્તાનમાં ઘૂસવાના સપના જોતાં ટ્રમ્પને ચીન-તાલિબાનની ધમકી, કહ્યું - હાજરી નહીં સ્વીકારીએ

Bagram Airbase Plan: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવને ચીન અને તાલિબાને સખત રીતે ફગાવી દીધો છે. ટ્રમ્પે અફઘાનિસ્તાનના વ્યૂહાત્મક બગરામ એરબેઝને ફરીથી હસ્તગત કરવાની વાત કરી હતી. આ એરબેઝ, જે ચીનની સરહદની નજીક આવેલું છે, તેને અમેરિકાએ 2021માં અફઘાનિસ્તાનમાંથી ઉતાવળમાં પીછેહઠ કરતી વખતે ખાલી કરી દીધો હતો.

ટ્રમ્પની બગરામ એરબેઝ પર નજર

લંડનમાં બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ફરીથી બગરામ એરબેઝને હસ્તગત કરવા માંગે છે. તેમણે આ માટેનું કારણ જણાવતા કહ્યું કે આ એરબેઝ ચીનના પરમાણુ હથિયાર ઉત્પાદન કેન્દ્રની ખૂબ નજીક આવેલું છે.

તાલિબાને ટ્રમ્પના પ્રસ્તાવને ફગાવી દીધો: કોઈપણ વિદેશી સૈન્યની હાજરી સ્વીકાર્ય નથી

ટ્રમ્પની આ ટિપ્પણી પર તાલિબાનના વરિષ્ઠ અધિકારી ઝાકિર જલાલે તીખી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, 'અફઘાનિસ્તાનમાં કોઈપણ વિદેશી સૈન્યની હાજરી ક્યારેય સ્વીકારવામાં આવી નથી અને આ વાત દોહા કરાર દરમિયાન પણ સ્પષ્ટ થઈ ચૂકી છે. અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચે આર્થિક અને રાજકીય સંબંધો હોઈ શકે છે, પરંતુ કોઈપણ સંજોગોમાં સૈન્યની હાજરી સહન કરવામાં આવશે નહીં.'

ચીનનો વિરોધ કહ્યું તણાવ ઊભો કરવાનો પ્રયાસ સ્વીકાર્ય નથી

ચીને પણ ટ્રમ્પના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાનએ બેઇજિંગમાં મીડિયાને કહ્યું, 'ક્ષેત્રમાં તણાવ અને સંઘર્ષ ઊભો કરવાનો પ્રયાસ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. ચીન અફઘાનિસ્તાનની સ્વતંત્રતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે છે. અફઘાનિસ્તાનનું ભવિષ્ય અફઘાન જનતાના હાથમાં હોવું જોઈએ.'

આ પણ વાંચો: મોસ્ટ ટેલેન્ટેડ અને બિઝનેસમેન માટે અમેરિકાનો માર્ગ મોકળો, ટ્રમ્પે 'ગોલ્ડ કાર્ડ' લોન્ચ કર્યો

તેમણે એમ પણ કહ્યું કે, 'તમામ પક્ષોએ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે રચનાત્મક ભૂમિકા ભજવવી જોઈએ.

તાલિબાન સાથે ચીનના સંબંધો અને ટ્રમ્પનો વ્યૂહાત્મક દાવપેચ

મહત્ત્વની વાત એ છે કે ચીને તાલિબાન સરકાર સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા છે અને અફઘાનિસ્તાનમાં તાંબાની ખાણ અને તેલ પરિયોજનાઓમાં રોકાણ કરી રહ્યું છે. બીજી તરફ, ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં એ પણ કહ્યું કે, 'અમેરિકા બગરામ એરબેઝ ફરીથી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે કારણ કે તાલિબાનને અમારી પાસેથી ઘણું બધું જોઈએ છે.' તેમણે તેના વ્યૂહાત્મક મહત્ત્વ પર ભાર મૂકતાં કહ્યું કે, બગરામ એરબેઝ ચીનના પરમાણુ હથિયાર ઉત્પાદન કેન્દ્રથી માત્ર એક કલાકના અંતરે છે.