Get The App

સોશિયલ મિડિયાનો સરેરાશ વપરાશ કરતાં બાળકોની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ઘટાડો

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
સોશિયલ મિડિયાનો સરેરાશ વપરાશ કરતાં બાળકોની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ઘટાડો 1 - image


- બાળકોમાં એડીએચડીની સમસ્યા વધી રહી છે 

- અભ્યાસ માટે સંશોધકોએ યુએસમાં નવથી દસ વર્ષના 8300 બાળકોના વર્તનની ચાર વર્ષ સુધી ચકાસણી કરી

સ્વિડન : ગૂગલ જે બાળકો ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટિકટોક, ફેસબુક, ટ્વિટર કે મેસેન્જર પર વધારે સમય ગાળતાં હોય તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ધીમે ધીમે ઘટાડો થાય છે તેમ સંશોધકોએ જર્નલ પેડિયાટ્રિકસ ઓપન સાયન્સમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યું હતું. તાજેતરના વર્ષોમાં બાળકોમાં એટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવીટી ડિસઓર્ડર -એડીએચડી-ના નિદાનનું પ્રમાણ વધ્યું છે તેનું એક કારણ આ પણ હોઇ શકે છે તેમ સંશોધકોએ જણાવ્યું હતું.

સ્વિડનમાં આવેલી કારોલિન્સ્કા ઇન્સ્ટિટયુટમાં કોગ્નિટિવ ન્યુરોસાયન્સના પ્રોફસર ટોર્કેલ ક્લિન્ગબર્ગે જણાવ્યું હતું કે અમારો અભ્યાસ સૂચવે છે કે બાળકોની ધ્યાન કેન્દ્રિત કરવાની બાળકોની ક્ષમતા પર સોશ્યલ મિડિયાના વપરાશની અસર થાય છે. 

સોશ્યલ મિડિયા પર સંદેશા અને નોટિફિકેશન્સના સ્વરૂપે સતત ધ્યાનભંગ થાય છે. કોઇનો મેસેજ આવ્યો હશે તેવા વિચાર માત્રથી પણ માનસિક ધ્યાનભંગ થાય છે. આ બાબત ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને અસર કરે છે અને સોશ્યલ મિડિયા અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વચ્ચેના સંબંધને સમજાવે છે. આ અભ્યાસ માટે સંશોધકોએ યુએસમાં નવથી દસ વર્ષના ૮૩૦૦ બાળકોનાવર્તનને ચાર વર્ષ સુધી ચકાસ્યુ હતું.  અભ્યાસ દરમ્યાન નવ વર્ષના બાળકનો સોશ્યલ મિડિયા વપરાશનો સમય રોજના અડધો કલાક વધ્યો હતો. તેર વર્ષના બાળકોમાં  સોશ્યલ મિડિયાના વપરાશમાં અઢી કલાકનો વધારો થયો હોવાનું જણાયું હતું.  સંશોધકોએ જણાવ્યું હતું કે બાળકો સોશ્યલ મિડિયાનો સરેરાશ ઉપયોગ કરે તો પણ તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સમય જતાં ઘટાડો થતો જાય છે. 

યુએસમાં પોર્ટલેન્ડમાં આવેલી ઓરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીના સંશોધકોના સહયોગથી કરવામાં આવેલાં આ અભ્યાસના તારણો માતાપિતાઓ અને નીતિ ઘડનારાઓને  બાળકોના માનસિક વિકાસ અને ડિજિટલ વપરાશ વિશે યોગ્ય નિર્ણય લેવામાં સહાયરૂપ થશે તેવી સંશોધકોને આશા છે. મુખ્ય સંશોધક સેમસન નિવિન્સે ઉમેર્યું હતું કે અમે આ અભ્યાસ બાળકોની કિશોરાવસ્થામાં પણ ચાલુ રાખવા માંગીએ છીએ. જેથી ખ્યાલ આવે કે આ અસર કિશોરાવસ્થામાં કેટલી વકરે છે. 

Tags :