Get The App

સરકારના નિર્ણયથી ચીનને 2000 કરોડનું નુકસાન થશે

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News


સરકારના નિર્ણયથી ચીનને 2000 કરોડનું નુકસાન થશે 1 - image-કલર ટેલિવિઝનની આયાતને કેન્દ્ર સરકારે રોકી દીધી

-દેશને આત્મનિર્ભર કરવાના પ્રયાસ રૂપે આ નિર્ણય લીધો

નવી દિલ્હી તા.31 જુલાઇ 2020 શુક્રવાર

વોકલ ફોર લોકલ, મેડ ઇન ઇન્ડિયા અને દેશને આત્મનિર્ભર બનાવવાના પગલા રૂપે કેન્દ્ર સરકારે ચીનથી આયાત થતી કલર ટેલિવિઝનની સામગ્રી પર બૅન લાદી દેતાં ચીનને 2000 કરોડ રૂપિયાનો ફટકો પડવાની શક્યતા હોવાની જાણકારી મળી હતી. ચીન દર વરસે અબજો રૂપિયાના કલર એલઇડી ટીવી ભારતને નિકાસ કરે છે. ભારત સરકારના આ નિર્ણયથી ચીનને બહુ મોટો ફટકો પડવાની શક્યતા હતી. કોરોનાના કારણે આમ પણ હાલ ચીનમાં એક પ્રકારની કટોકટી પ્રવર્તી રહી હતી. 

ભારતીય ટીવી બજારમાં ચીની કલર ટીવીની બોલબાલા છેલ્લા થોડા સમયથી ખાસ્સી વધી ગઇ હતી. ગલવાન કોતરોવાળી ઘટના પછી કેન્દ્ર સરકાર સતત ચીન વિરોધી પગલાં લઇ રહી હતી. હજુ બે દિવસ પહેલાંજ ટીક ટૉક સહિતની સંખ્યાબંધ ચીની એપ્સ પર ભારત સરકારે પ્રતિબંધ લાદ્યો હતો. અત્યાર પહેલાં કેન્દ્ર સરકારે સરકારી ખાતાઓ દ્વારા કરાતી વિવિધ ખરીદીમાં ચીની કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો હતો. આવી કંપનીઓમાં ભારતીય રેલવેને માલ વેચતી ચીની કંપનીઓનો સમાવેશ થયો હતો. 2019-20માં ભારતે કુલ 5800 કરોડના રંગીન ટેલિવિઝન આયાત કર્યા હતા. એમાં એકલા ચીનના 2100 કરોડના ટીવી હતા. એના પરથી ખ્યાલ આવશે કે રંગીન ટીવી બજારમાં ચીનનો પગપેસારો કેટલી હદે થયો હતો.  

હવે સ્થાનિક ટીવી ઉત્પાદકોને સરકારના આ પગલાથી લાભ થશે. પેનાસોનિક ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે ગ્રાહકોને હવે ઉચ્ચ કક્ષાની ગુણવત્તા ધરાવતા ટેલિવિઝન મળશે. ચીની ટેલિવિઝનની ગુણવત્તા અને ખાસ તો એની પિક્ચર ટ્યુબની ગુણવત્તા નબળી હતી. હવે સારી ગુણવત્તા ધરાવતા એસેમ્ટેબલ્ડ ટેલિવિઝન ગ્રાહકોને મળશે. 

કેન્દ્રના આ પગલાંથી ચીનના ટેલિવિઝન ઉત્પાદકોને સારો એવો ફટકો પડશે એવું આ ક્ષેત્રના નિષ્ણાતો માને છે. 

Tags :