BIG NEWS : ચીન સરહદ નજીક રશિયાનું પ્લેન ક્રેશ, સવાર તમામ 49 લોકોના મોતની આશંકા
Russia Plane Missing: રશિયામાં ગુમ એન્ટોનોવ AN-24 પેસેન્જર પ્લેન ક્રેશ થયું હોવાના અહેવાલો મળ્યા છે. જેમાં 49 લોકો સવાર હતા. ચીન નજીક અમૂર ક્ષેત્રમાં ઉડાન ભરી રહેલી ફ્લાઇટ સાથે અચાનક સંપર્ક તૂટ્યો હોવાનું સ્થાનિક એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું હતું. જેનો કાટમાળ મળી આવતાં આ પ્લેન ક્રેશમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાની આશંકા સ્થાનિક ન્યૂઝ એજન્સીએ વ્યક્ત કરી છે.
રશિયાની ઇમરજન્સી મિનિસ્ટ્રીએ જણાવ્યા પ્રમાણે, 'બચાવ કામગીરીમાં જોડાયેલા હેલિકોપ્ટરે આ પેસેન્જર પ્લેનનો કાટમાળ શોધી કાઢ્યો છે. રશિયાની સિવિલ એવિએશન ઑથોરિટી દ્વારા સંચાલિત MI-8 હેલિકોપ્ટરે તિન્ડાથી 16 કિમી દૂર પર્વતીય ક્ષેત્રોમાં બળેલી હાલતમાં પ્લેન શોધી કાઢ્યું હતું. આ પ્લેન ક્રેશમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાની આશંકા છે.'
રશિયન એર ટ્રાફિક કંટ્રોલે સવારે જણાવ્યું હતું કે, 50 પેસેન્જર-ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલા AN-24 પેસેન્જર પ્લેન સાથે અમૂર ક્ષેત્રમાંથી સંપર્ક તૂટ્યો છે. લોકલ ઇમરજન્સી મિનિસ્ટ્રી અનુસાર, સાબેરિયાની અંગારા તરીકે ઓળખાતી એરલાઇન દ્વારા આ પ્લેન ઓપરેટ થઈ રહ્યું હતું. જે ચીનની સરહદ નજીક આવેલા અમૂર શહેરમાંથી અચાનક રડાર સ્ક્રિનમાંથી ગુમ થયું હતું.
પાંચ બાળકો સહિત 43 પેસેન્જરના મોતની આશંકા
પ્રાદેશિક ગવર્નર વેસિલી ઓર્લોવે જણાવ્યું હતું કે, પ્રારંભિક માહિતી મુજબ આ પ્લેનમાં પાંચ બાળકો સહિત કુલ 43 પેસેન્જર સવાર હતા. તેમજ છ ક્રૂ સભ્યો ઓન બોર્ડ હતા. તમામ જરૂરી સુરક્ષા અને બચાવ દળને પ્લેનની શોધખોળ માટે તૈનાત કરવામાં આવ્યા હતા. સ્થાનિક બચાવકાર્યમાં જોડાયેલા લોકોએ પણ પ્લેન ક્રેશની હાલત જોઈને સવાર તમામના મોત થયા હોવાની ભીતિ વ્યક્ત કરી છે.
આ પ્લેન તેના ડેસ્ટિનેશનથી થોડા કિલોમીટર જ દૂર હતું, ત્યાં અચાનક રડારમાંથી ગુમ થયુ હતું. અંગારા એરલાઇન્સ તિંડા ઍરપોર્ટથી થોડા કિમી દૂરથી AN-24નો સંપર્ક સાધવામાં નિષ્ફળ રહી હતી.