Epstein Files: અમેરિકાના ન્યાયતંત્ર દ્વારા જેફ્રી એપસ્ટિન સાથે જોડાયેલી નવી ફાઈલ્સ જાહેર કરવામાં આવી છે. આ દસ્તાવેજો 'એપસ્ટિન ફાઈલ્સ'ના નામથી પણ ઓળખાય છે. આ ફાઈલ્સમાં બ્રિટિશ પરિવારના પૂર્વ પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસરની એવી તસવીરો જાહેર થઈ છે કે, બધાના હોંશ ઉડી જશે. એક તસવીરમાં એન્ડ્રુને ચાર હાથ-પગના બળ પર એક મહિલા પર ઝૂકેલો દેખાય છે. જાહેર કરાયેલા દસ્તાવેજોમાં પ્રિન્સ એન્ડ્રુની ત્રણ તસવીરો છે, જે ખૂબ જ વાંધાજનક માનવામાં આવી રહી છે. ઈમેઇલ્સ દર્શાવે છે કે સ્વર્ગસ્થ જાતીય ગુનેગાર જેફરી એપસ્ટીને એન્ડ્રુને 26 વર્ષીય રશિયન મહિલા સાથે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. ચાલો આ સનસનીખેજ મામલાને વિગતવાર સમજીએ.
કોણ છે એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર?
એન્ડ્રુ આલ્બર્ટ ક્રિશ્ચિયન એડવર્ડ બ્રિટિશ રાજ પરિવારના એક પ્રમુખ સભ્ય રહ્યા છે. તેઓ બ્રિટનના વર્તમાન રાજા ચાર્લ્સ તૃતીયના સગા ભાઈ છે. તેઓ લાંબા સમય સુધી 'ડ્યુક ઓફ યોર્ક' તરીકે જાણીતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વિવાદોના કારણે તેમની પાલેથી તેમની લશ્કરી પદવીઓ અને શાહી વિશેષાધિકારો પાછા ખેંચી લેવામાં આવ્યા છે. તેઓ મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને પ્રિન્સ ફિલિપના ત્રીજા સંતાન અને બીજા પુત્ર છે. તેમણે 1986માં સારા ફર્ગ્યુસન સાથે લગ્ન કર્યા હતા. તેમની બે પુત્રીઓ છે રાજકુમારી બીટ્રાઈસ અને રાજકુમારી યુજીની. જોકે, 1996માં એન્ડ્રુ અને સારાના છૂટાછેડા થઈ ગયા, પરંતુ તેઓ આજે પણ એક-બીજાની ખૂબ નજીક હોવાનું માનવામાં આવે છે.
પ્રિન્સ એન્ડ્રુના કરિયરનો સૌથી કાળો અધ્યાય અમેરિકન સેક્સ અપરાધી જેફરી એપસ્ટિન સાથેનો તેમનો સંબંધ રહ્યો છે. વર્જિનિયા ગિફ્રે નામની એક મહિલાએ એન્ડ્રુ પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે સગીર હતી ત્યારે એપસ્ટિને તેને પ્રિન્સ એન્ડ્રુ સાથે સેક્સ કરવા માટે મજબૂર કરી હતી. 2019માં એક ઈન્ટરવ્યુમાં એન્ડ્રુએ આ આરોપોનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની દલીલો અને એપસ્ટિન સાથેની તેની મિત્રતાને યોગ્ય ઠેરવવાના પ્રયાસોએ તેની છબીને સંપૂર્ણપણે બરબાદ કરી નાખી.
આ વિવાદ બાદ તેમણે 2019માં તેમની જાહેર શાહી ભૂમિકાઓથી હટવાની જાહેરાત કરી. 2022માં રાણી એલિઝાબેથે તેમની પાસેથી તેમની લશ્કરી પદવીઓ અને 'હિઝ રોયલ હાઇનેસ'નું સંબોધન પાછું ખેંચી લીધું. તેમણે વર્જિનિયા ગિફ્રે સામે ચાલી રહેલા સિવિલ મુકદ્દમાનો કોર્ટની બહાર મોટી રકમ આપીને નિકાલ કરી દીધો, જોકે તેમણે ક્યારેય પોતાની ભૂલ સ્વીકારી નહીં. પ્રિન્સ એન્ડ્રુ હાલમાં લગભગ સંપૂર્ણપણે જાહેર જીવનથી દૂર છે. તેઓ શાહી કાર્યક્રમોમાં દેખાતા નથી, અને તેમની આર્થિક સ્થિતિ અને તેમના નિવાસસ્થાન (જેમ કે રોયલ લોજ) ની વારંવાર મીડિયામાં ચર્ચા થતી રહે છે.
તસવીરોમાં શું છે?
આ તસવીરોમાં એન્ડ્રુ ફ્લોર પર પડેલી એક મહિલા પર ઝૂકેલો દેખાય રહ્યો છે. એક તસવીરમાં તે સીધો કેમેરા તરફ જોઈ રહ્યો છે, જ્યારે બીજી તસવીરમાં તેનો હાથ મહિલાના પેટ પર છે. તે ઉઘાડા પગે છે અને સફેદ પોલો શર્ટ અને જીન્સ પહેરેલો છે. જોકે, આ તસવીરો ક્યાં અને ક્યારે લેવામાં આવી તેની સ્પષ્ટ જાણકારી નથી. રૂમમાં એક અન્ય વ્યક્તિ પણ દેખાઈ રહ્યો છે, જે ચિત્તાની પ્રિન્ટ વાળી ખુરશી પર પગ ફેલાવીને બેઠો છે.
ઈમેઇલ્સમાં શું લખ્યું છે?
11 અને 12 ઓગસ્ટ, 2010ના રોજના ઈમેઈલમાં ધ ડ્યુક નામના એકાઉન્ટ અને એપસ્ટિન વચ્ચેની વાતચીત દેખાઈ રહી છે. ઈમેઈલ દ્વારા એ ખુલાસો થયો છે કે, પ્રિન્સ એન્ડ્રુએ સગીર સાથે શારીરિક સંબંધ બનાવવાના કેસમાં સજા ભોગવ્યા પછી એપસ્ટિનને બકિંગહામ પેલેસમાં ડિનરનું આમંત્રણ આપ્યું હતું. એક ઈમેલમાં એપસ્ટિન લખે છે કે તે 'A' (એન્ડ્રુ)ને 26 વર્ષીય રશિયન મહિલા સાથે મુલાકાત કરાવવા માંગે છે જેની સાથે તે ડિનરનો આનંદ માણી શકે. તે એમ પણ જણાવે છે કે તે મહિલા ઓગસ્ટ 2010માં લંડનમાં હશે.
તેના જવાબમાં ધ ડ્યુક લખે છે કે, તે 22 ઓગસ્ટની સવાર સુધી જીનીવામાં રહેશે, પરંતુ મળવામાં ખુશ થશે. તે એ પણ પૂછે છે કે શું તે મહિલા એપસ્ટિન તરફથી કોઈ મેસેજ લાવશે અને શું તેની પાસે તેના વિશે કોઈ વધારાની માહિતી છે. એપસ્ટિન જવાબમાં 'ના' લખે છે કે 26 વર્ષીય રશિયન મહિલા સમજદાર સુંદર, વિશ્વસનીય છે અને તેનું પોતાનું ઈમેઇલ છે.
સપ્ટેમ્બર 2010માં થયેલા પત્રવ્યવહારમાં એન્ડ્રુએ એપ્સ્ટીનને પ્રાઈવસીનું આશ્વાસન આપ્યુ હતું. એન્ડ્રુએ લખ્યું હતું કે, આપણે બકિંગહામ પેલેસમાં ડિનર કરી શકીએ છીએ, ત્યાં સારી પ્રાઈવસી રહેશે. ફાઈલ્સ પ્રમાણે એન્ડ્રુએ એપ્સ્ટીનને મળવામાં ખૂબ રસ દર્શાવ્યો હતો અને તેમને ગમે ત્યારે આવવાનું આમંત્રણ આપ્યું હતું.
30 લાખ પાના અને અસંખ્ય પુરાવા
'એપસ્ટિન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ' હેઠળ જાહેર કરવામાં આવેલા આ દસ્તાવેજોમાં 30 લાખથી વધુ પેજ, 1.80 લાખ તસવીરો અને 2,000 વીડિયો ક્લિપ્સ સામેલ છે. આ ફાઇલ્સ જેફ્રી એપસ્ટિનના સગીરાઓના યૌન શોષણ અને ટ્રાફિકિંગ નેટવર્કની પોલ ખોલે છે.


