coronavirus: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
લંડન, 12 એપ્રિલ 2020 રવિવાર
કોરોના વાયરસની સારવાર બાદ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસનને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે ડાઉનિંગ સ્ટ્રીટના એક પ્રવક્તાએ આ જાણકારી આપી છે.
પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસની સારવાર માટે જ્હોનસનને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. હવે એક સપ્તાહ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. આ દરમિયાન તેમને ત્રણ દિવસ સુધી આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા.
આ પહેલા બોરિસ જ્હોનસને પોતાનો જીવ બચાવવા માટે નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ના ડોક્ટરો અને કર્મચારીઓનો આભાર માન્યો હતો.
તબીયતમાં સુધારો થયા બાદ જ્હોનસનને શનિવારે લંડનના સેન્ટ થોમસ હોસ્પિટલમાં આઈસીયુની બહાર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રથમ વખત પોતાના નિવેદનમાં 55 વર્ષીય જ્હોનસને કહ્યું હતું કે જીવ બચાવવા માટે હું તમારો આભારી છું.
જ્હોનસન કામ પર પરત ફરવાની યોજના અંગે પૂછતા બ્રિટનના ગૃહ મંત્રી પ્રીતિ પટેલે શનિવારે જણાવ્યું હતું કે વડાપ્રધાનને સંપૂર્ણ રીતે સાજા થવામાં થોડા સમયની જરૂર છે.
નોંધનીય છે કે બ્રિટનમાં રવિવાર સુધીમાં 10,000થી વધુ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 80,000થી વધુ લોકો સંક્રમિત થયા છે.
આ દરમિયાન વડાપ્રધાન તરફથી 10 ડાઉનિંગ સ્ટ્રીટના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલા ઈસ્ટર સંદેશમાં લોકોને શુભકામના આપતા પોતાનો જીવ બચાવવા માટે ઘરમાં જ રહેવાનો આગ્રહ કર્યો છે.
પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે દેશભરમાં ચર્ચ બંધ રહેશે અને પરિવાર અલગ-અલગ જ રહીને દિવસ પસાર કરશે. ઘરે રહીને તમારા અને અન્ય લોકોના જીવનની રક્ષા કરો.