6 લાખ કરોડ ડોલરની ટ્રેઝરી સિસ્ટમનો અંકુશ હવે ધનપતિ મસ્ક પાસે
- ચૂંટાયા વગર જ મસ્ક અમેરિકન સરકાર ઉપર અંકુશ જમાવી રહ્યા છે
- કર્મચારીને રોકી યુએસએઇડ રાતોરાત બંધ કરી દેવાઈ : મસ્કની કામગીરીથી વિરોધીઓ નારાજ
વોશિંગ્ટન : રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાદેસર રીતે અમેરિકામાં વસતા વિદેશી નાગરીકોને પરત મોકલી રહ્યા છે, ચીન, કેનેડા અને મેક્સિકો ઉપર ટેરિફ લાદી રહ્યા છે, જાન્યુઆરી ૨૦૨૦માં વ્હાઈટ હાઉસ ઉપર પોતાની હાર પછી હુમલો કરનારને નિર્દોષ છોડી મુક્યા છે. આ બધાની વચ્ચે વિશ્વના સૌથી વધુ મોટા ધનિક ઈલોન મસ્ક વ્હાઈટ હાઉસમાં બેસી, તેના માણસો થકી અમેરિકન સરકારની કામગીરીમાં પોતાના હસ્તક્ષેપ વધારી રહ્યા છે. વિરોધી ડેમોક્રેટ મસ્કની કામગીરીથી ચિંતિત છે કારણ કે મસ્ક ચૂંટાયેલા પ્રતિનિધિ નથી, બીજું મસ્કની નિમણુકને કોઈ બહાલી મળી નથી. અમેરિકાના નાણા ખાતાની પેમેન્ટ સિસ્ટમ ઉપર હવે મસ્કનો અંકુશ છે અને તેનાથી સરકાર, શાસન અને વહીવટીતંત્ર ટ્રમ્પ ચલાવી રહ્યા છે કે બીજું કોઈ તેવો વિવાદ ઉભો થયો છે.
મસ્કને અમેરિકામાં સૌથી સંવેદનશીલ ગણાતા ડેટાબેઝ ઉપર, પેમેન્ટ સીસ્ટમ ઉપર અને વિશ્વને માનવીય સહાયના વિભાગ ઉપર કડક અંકુશ જમાવી દીધો છે. બે સપ્તાહમાં જ ઈલોન મસ્કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ જેટલું જ શક્તિશાળી વૈકલ્પિક સત્તાનું કેન્દ્ર ઉભું કરી દીધું છે. મસ્ક માણસોને નોકરીમાંથી કાઢી મૂકવા માટે જાણ પણ કરી શકે છે અને રાતોરાત કોઈ દેશને કે સ્થાનિક વિભાગને મળતી સહાય અટકાવી પણ રહ્યા છે. અમેરિકન લોકશાહીમાં સદન - કોંગ્રેસ અને સેનેટ- ની મંજૂરી અનિવાર્ય છે અને મસ્ક પાસે બન્ને નથી.
ગત સપ્તાહે મસ્કને વિશ્વના સૌથી શક્તિશાળી પેમેન્ટ સિસ્ટમનો એક્સેસ આપી દેવામાં આવ્યો છે. સરકારના કર્મચારીઓના પગાર, ટેક્સ રિફંડ, નાગરીકોને ચૂકવાતા વિવિધ યોજના હેઠળના લાભ સહિત અમેરિકન ટ્રેઝરી પેમેન્ટ સિસ્ટમ વર્ષે ૬ ટ્રીલીયન ડોલર (ભારતના વાર્ષિક જીડીપી કરતા વધારે રકમ)ના નાણાકીય વ્યવહાર કરે છે. ટ્રમ્પના અધિકારીઓએ દાયકાઓથી ટ્રેઝરી પેમેન્ટના વર્સીષ્ઠ અધિકારી ડેવિડ લેબ્રિકને હટાવી આ સિસ્ટમ હવે મસ્કને હવાલે કરી છે. અમેરિકાના નવા ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે મકસના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિસિયન્સી (ડોજ)ના સભ્ય અને સીલીકોન વેલીના ટોમ ક્ઝને આ સિસ્ટમનો ઉપયોગ કરવાની છૂટ આપી છે.
ડોજના નામે મસ્કની ટીમ સરકાર માટે ખર્ચ કેમ ઘટાડવો, અમેરિકન સરકારની કાર્યક્ષમતા કેમ વધારવી અને જે ખર્ચ થઇ રહ્યો છે તેનાથી મહત્તમ ફાયદો કેવી રીતે મળે એના માટે કામગીરી કરી રહી છે.
વિશ્વમાં અમેરિકા તરફથી વિવિધ દેશો અને એજન્સીને આપવામાં આવતી સહાયની સંસ્થા યુએસ એજની ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઇડ)માં આવી રહેલા કર્મચારીઓને પોલીસે સોમવારે રોક્યા હતા. મસ્કના માણસોએ વિભાગના કોમ્પ્યુટર ઉપર કબજો જમાવી લીધો હતો. દિવસના બીજા ભાગમાં પછીથી મસ્ક અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ એજન્સી બંધ કરવાની જાહેરાત કરી હતી. વર્ષે લગભગ ૬૦ અબજ ડોલરનું બજેટ ધરાવતી આ વિશ્વની સૌથી મોટી સહાય કરતી એજન્સી છે.
'આ બગડેલું સફરજન નથી પણ જીવાત વાળો એક દડો છે. આ સહાય એજન્સી પૂર્ણ રીતે બંધ કરવી જોઈએ,' એમ મસ્કે જણાવ્યું હતું. અમેરિકન સરકારના બિલ્ડીંગની દેખરેખ રાખતી જનરલ સર્વિસ એડમીનીસ્ટ્રેશન (જીએસએ) ઉપર પણ મસ્કની નજર છે. ગત સપ્તાહે આ એજન્સીના દેશભરના કામ કરતા ૭૫૦૦ કર્મચારીઓને બિલ્ડીંગના લીઝ તાકીદે બંધ કરવાની જાણ કરવામાં આવી હતી.