Get The App

ટ્ર્મ્પના WHOનું ફન્ડિંગ રોકવાના નિર્ણયને બિલ ગેટ્સે ખતરનાક ગણાવ્યો

- વર્તમાન સમયમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની જરૂર સૌથી વધારે, કોઈ સંસ્થા તેનું સ્થાન નહીં લઈ શકે

Updated: Apr 15th, 2020

GS TEAM

Google News
Google News
ટ્ર્મ્પના WHOનું ફન્ડિંગ રોકવાના નિર્ણયને બિલ ગેટ્સે ખતરનાક ગણાવ્યો 1 - image

વોશિંગ્ટન, તા. 15 એપ્રિલ 2020, બુધવાર

માઈક્રોસોફ્ટ કંપનીના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે અમેરિકાના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)નું ફન્ડિંગ રોકવાના નિર્ણયને ખતરનાક ઠેરવ્યો હતો. એક તરફ સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (કોવિડ-19)ના કેસ વધી રહ્યા છે તેવામાં ટ્રમ્પે વુનું ફન્ડિંગ રોકવાનો નિર્ણય જાહેર કરતા બિલ ગેટ્સે બુધવારે ટ્વિટરના માધ્યમથી વર્તમાન સંજોગોમાં આ નિર્ણય ખતરનાક સાબિત થઈ શકે છે તેવી ચેતવણી આપી હતી.

તેમણે લખ્યું હતું કે, 'વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની કામગીરીના કારણે કોવિડ-19ના ઝડપી ફેલાવાને રોકવામાં મદદ મળી છે અને તેનું કામ રોકાશે તો અન્ય કોઈ સંગઠન તેનું સ્થાન નહીં લઈ શકે.' બિલ ગેટ્સના કહેવા પ્રમાણે વર્તમાન સમયમાં દુનિયાને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પહેલા કરતા ઘણી વધારે જરૂર છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ફન્ડિંગને રોકવા નિર્દેશ આપેલો છે.

ટ્રમ્પે ડબલ્યુએચઓ પર કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવામાં અસફળ રહેવાનો અને તેના સાથે સંકળાયેલી સાચી જાણકારી છુપાવવાનો આરોપ મુકેલો છે. તેમણે મંગળવારે વ્હાઈટ હાઉસ ખાતેની પ્રેસ વાર્તા દરમિયાન પોતાના વહીવટાધિકારીઓને ડબલ્યુએચઓનું ફન્ડિંગ રોકવા નિર્દેશ આપ્યો હતો. સાથે જ કોવિડ-19ને લઈ ગેરવહીવટ અને તેના વધતા સંક્રમણને છુપાવવામાં ડબલ્યુએચઓની ભૂમિકાની તપાસનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમેરિકા દર વર્ષે ડબલ્યુએચઓને 40થી 50 કરોડ ડોલરની નાણાંકીય સહાય કરે છે.
Tags :