ભારતને સોંપી દેવાના નિવેદન પર હાફિઝ સઈદનો પુત્ર તલ્હા ગુસ્સે થયો, કહ્યું- ‘બિલાવલે પાકિસ્તાનનું અપમાન કર્યું’
India-Pakistan Controversy : પાકિસ્તાન મસૂદ અઝહર અને હાફિઝ સઈદને ભારતને સોંપવા માટે તૈયાર હોવાનો પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ દાવો કર્યો છે, જેના કારણે હાફિઝનો પુત્ર ગુસ્સે થયો છે. બિલાવલે કહ્યું હતું કે, અમારા દેશને વિશ્વાસ બહાલ કરવા માટે હાફિઝ અને અજહર જેવા આતંકવાદીઓને ભારતને સોંપવામાં કોઈ વાંધો નથી. હવે ભુટ્ટોના આ નિવેદન બાદ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબાના પ્રમુખ હાફિઝ સઈદનો પુત્રને વોંધા પડ્યો છે. તેણે કહ્યું કે, ‘બિલાવલ ભુટ્ટોની આ ટિપ્પણીથી વિશ્વસ્તરે પાકિસ્તાનનું અપમાન થયું છે.’
બિલાવદે મારા પિતાનું અપમાન કર્યું : હાફિઝનો પુત્ર
બિલાવલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા આતંકવાદી હાફિઝ સઈદના પુત્ર તલ્હાએ કહ્યું કે, ‘બિલાવલ ભુટ્ટોએ આવું નિવેદન ન આપવું જોઈતું હતું. બિલાવલે મારા પિતા હાફિઝ પર આપેલા નિવેદનથી પાકિસ્તાનને વિશ્વમાં બદનામ કર્યું છે. બિલાવલ મારા પિતાને દુશ્મન દેશ ભારતને સોંપવાની વાત કરે છે, અમે અને અમારો સમુદાય આનો વિરોધ કરીએ છીએ.' અલ જજીરાને આપેલા ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલે કહ્યું હતું કે, પાકિસ્તાન હાફિઝ સઇદ અને મસૂદ અઝહરને ભારતને સોંપવા માટે તૈયાર છે. જોકે સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, મસૂદ અઝહર પાકિસ્તાન નહીં પણ અફઘાનિસ્તાનમાં છે.
પાકિસ્તાનમાં લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ બન્ને પર પ્રતિબંધ
આતંકવાદને લઈને ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણનો સામનો કરી રહેલા પાકિસ્તાને તાજેતરમાં પ્રથમ વખત આતંકીઓને સોંપવા અંગે તૈયારી દર્શાવી છે. પાકિસ્તાનની વર્તમાન સરકારમાં સમર્થન આપી રહેલી પીપીપી પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto)એ કહ્યું હતું કે પાકિસ્તાનમાં લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ બન્ને પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાફિઝ સઇદ (Hafiz Saeed) હાલ આતંકવાદને ફન્ડિંગના કેસોમાં 33 વર્ષની સજા કાપી રહ્યો છે. મસૂદ અઝહર પર પણ અમે પ્રતિબંધો મુક્યા છે. ભારત કેટલીક શરતોનું પાલન કરવા તૈયાર હોય તો કોઈ પણ આરોપીના પ્રત્યાર્પણ માટે પાકિસ્તાન તૈયાર છે.
હાફિઝ સઈદ પાકિસ્તાનની જેલમાં બંધ
હાલ આ આતંકીઓ ક્યાં છે તેવા મીડિયાના સવાલના જવાબમાં ભુટ્ટોએ કહ્યું હતું કે હાફિઝ સઈદ પાકિસ્તાનની જેલમાં છે જ્યારે સરકારનું અનુમાન છે કે મસૂદ અઝહર હાલ અફઘાનિસ્તાનમાં છે. મસૂદ અઝહર અને હાફિઝ સઈદ બંને આતંકીઓએ ભારતમાં અનેક હુમલા કરાવ્યા છે. મસૂદ અઝહર અફઘાનિસ્તાનમાં હોવાના બિલાવલ ભુટ્ટોના દાવાની ખુદ પાક. મીડિયાએ પોલ ખોલી હતી. પાક.ના સૌથી જુના અખબાર ડોને એક રિપોર્ટમાં કહ્યું હતું કે મસૂદ અઝહરે પાક.ના મુઝફ્ફરાબાદમાં સમર્થકો સાથે મુલાકાત કરી હતી. વર્ષ 2021ના પાકિસ્તાની મીડિયાના રિપોર્ટમાં જણાવાયું હતું કે ભારતની સંસદ પર ૨૦૦૧ના હુમલા બાદ પાક. દ્વારા મસૂદ અઝહરની ધરપકડ કરાઈ હતી. પાક.ના મીડિયામાં આવા તમામ રિપોર્ટ છે જેનાથી સાબિત થાય છે કે મસૂદ અઝહર પાક.માં જ છે.